Western Times News

Gujarati News

રામ મંદિરના બહાને લોકોને નકલી રસીદ આપી ફંડ એકત્ર કરનાર ઈસમ ઝડપાયો

સુરત, ભગવાન રામના નામે છેતરપિંડી કરનાર એક ઈસમને વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીએ ઝડપી પાડ્યો છે. હાલ દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રામ મંદિર બનાવવા માટે નિધી એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાંથી એક ઈસમ લોકો પાસેથી ફંડ ઉઘરાવી લોકોને ખોટી રસીદ આપતો હતો. આ આરોપીને પકડી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન થકી સામાન્ય વ્યક્તિ પાસેથી પણ સામાન્ય રાશિ એકત્ર કરવામાં આવી રહી છે, જ્યારે રામના નામે લોકોને ફસાવવાનું કાવતરુ પણ શરૂ થઈ ગયું છે.

લોકોની આસ્થા સાથે છેતરપિંડી કરનાર આવો જ એક ઈસમ સુરતના સરથાણા વિસ્તારથી પકડાયો છે. આરોપીનું નામ અમિત પાંડે છે જે ફ્રુટની લારી ચલાવે છે અને કાપોદ્રા વિસ્તારમાં રહે છે, પરંતુ જ્યારથી અભિયાન શરૂ થયું ત્યારથી તેની નજર આ અભિયાન ઉપર હતી અને કાપોદ્રા વિસ્તારમાં ટેબલ લગાવી નકલી રસીદ બનાવીને રામ ભક્તો પાસેથી ફંડ ઉઘરાવી રહ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ શહેર મંત્રી કમલેશભાઈ ક્યાડાને મળેલી માહિતી મુજબ આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતો. તેઓએ જણાવ્યું હતું કે, રસીદ આપવાની તમામ જવાબદારી તેમની પાસે છે અને અત્યાર સુધી નિધિ એકત્ર કરવા માટેની શરૂઆત થઇ નહોતી પરંતુ મકરસંક્રાંતિના રોજ મંડપ બનાવીને આરોપી ફંડ એકત્ર કરવા માટે બોગસ રસીદ લઈને બેસ્યો હતો. આરોપી પાસેથી જે રસીદ મળી આવી છે તેની ઉપર રસીદ નંબર પણ નથી.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી અમિત પાંડે મૂળ ઉત્તર પ્રદેશના જિલ્લા વિસ્તારનો છે. તેના આ કારસ્તાનથી લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. જાેકે પોલીસે તેની પાસેથી નકલી રસીદ જપ્ત કરી અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલા ફંડ એકત્ર કર્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.