રામ મંદિર નિર્માણને લઈ દેશભરમાં ઉત્સુકતા
ટૂંક સમયમાં તારીખ જાહેર કરાશેઃ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠકઃ નૃત્યગોપાલદાસ ટ્રસ્ટના અધ્યક્ષ
નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સુપ્રિમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે દિલ્હીમાં પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં મહંત નૃત્યગોપાલદાસને ટ્રસ્ટના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ચંપતરાયને મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. મંદિર નિર્માણ ક્યારે શરૂ કરાશે તેને લઈને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. હવે આગામી બેઠક અયોધ્યામાં થશે. જેમાં મંદિર નિર્માણ માટેની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.
રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસને અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની શરૂઆત થઈ ચુકી છે. હવે નૃપેન્દ્ર મિશ્રને ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સ્વામી ગોવિંદદેવ ગીરિને કોષાધ્યક્ષ બનાવાયા છે. આ ઉપરાંત ભવન નિર્માણ સમિતિ બનાવવામાં આવી છે. આના અધ્યક્ષ વરિષ્ટ અધિકારી અને વડાપ્રધાનના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા રહેશે.
બેઠકમાં એવો નિર્ણય થયો છે કે અયોધ્યામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રસ્ટનું ખાતુ ખોલવામાં આવશે. અધ્યક્ષ ચુંટાયેલા મહંત નૃત્યુગોપાલે કહ્યું હતું કે લોકોની ભાવનાઓનું સન્માન થશે અને વહેલીતકે મંદિર નિર્માણનું કામ શરૂ કરાશે. અત્રે નોંધનિય છે કેછેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે ૯મી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો.
સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.