રામ મંદિર નિર્માણ માટે 5મી ઓગષ્ટે થશે ભૂમિ પૂજન
નવી દિલ્હી, રામ મંદિર નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે. સૂત્રો દ્વાર મળતા અહેવાલ પ્રમાણે ઓગષ્ટ મહીનાની પાંચમી તારીખના રોજ ભૂમિ પૂજન કાર્ય થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે જણાવ્યું હતું કે, ટ્ર્સ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને આધારશિલા રાખવાના પ્રસંગે રામ મંદિરના ભૂમિ પૂજન માટે આમંત્રિત કર્યા છે.
જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિને લઈ હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી નથી મળેલી. મહંત કમલ નયન દાસે પહેલા જ જણાવ્યું હતું કે ટ્ર્સ્ટ શ્રાવણ મહીના દરમિયાન રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવા માંગે છે. જો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે નક્કી નથી.
આ અંગેનો નિર્ણય લેવા માટે આજે અયોધ્યાના સર્કિટ હાઉસમાં શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેંદ્ર મિશ્રા પણ હાજર રહેશે. તેઓ 16મી જુલાઈથી જ અયોધ્યામાં હાજર છે. બીએસએફના પૂર્વ મહાનિદેશક અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહકાર કે કે શર્મા પણ તેમના સાથે ત્યાં પહોંચ્યા છે. તેમના સાથે જ મોટી સંખ્યામાં એન્જીનિયર્સની ટીમ પણ અયોધ્યામાં હાજર છે જે મંદિર નિર્માણની સૂક્ષ્મ બાબતો પર ધ્યાન રાખી રહી છે. રામ મંદિરનું મોડલ તૈયાર કરનારા ચંદ્રકાંત સોમપુરા સિવાય તેમના દીકરા નિખિલ સોમપુરા પણ અયોધ્યા પહોંચ્યા છે જે આજની બેઠકમાં સામેલ થઈ શકે છે. મંદિર નિર્માણની તારીખોને લઈ સતત અટકળો ચાલી રહી છે. આ સંજોગોમાં આજની બેઠકમાં આ તારીખ પર મહોર લાગે તેવી આશા છે.