રામ મંદિર માટે કરોડોનો દાનનો પ્રવાહઃ સોના-ચાંદીની ઈંટો મોકલાઈ
લખનૌ, રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થાય તે પહેલા જ મંદિર માટે ભાવિકોએ કરોડો રૂપિયાનું દાન આપવાનું શરુ કરી દીધું છે. મંદિરના આવતીકાલે થનારા ભૂમિ પૂજન માટે ભલે કોરોનાના કારણે બહુ ગણતરીના લોકોને આમંત્રણ અપાયું હોય પણ દેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે આ પ્રસંગ અનેરુ મહત્ત્વ લઈને આવ્યો છે. દેશમાંથી એટલે જ દાનનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે.
જેમ કે કથાકાર મોરારી બાપુએ મંદિર માટે પાંચ કરોડ રૂપિયાનું દાન આપવાનું એલાન કર્યું છે. ૨૭ જુલાઈએ તેમણે એલાન કર્યું હતું. આ રકમ તેમના ચિત્રકૂટ ખાતેના આશ્રમમાંથી મોકલવામાં આવશે. શિવસેના પણ એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી ચુકી છે. શિવસેનાનું કહેવું છે કે, આ રકમ મંદિર ટ્રસ્ટના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ વ્યક્તિગત રીતે ૧૧ લાખનું ડોનેશન આપી ચુક્યા છે. ભાવિકો મંદિર માટે સોના ચાંદીની ઈંટો પણ દાનમાં આપી રહ્યા છે. હૈદ્રાબાદના જ્વેલર કે શ્રીનિવાસે રામ મંદિર નિર્માણ માટે એક કિલો સોનાની ઈંટ ડોનેટ કરી છે. આ જ રીતે પાંચ કિલો ચાંદીની ઈંટ પણ ટ્રસ્ટને દાનમાં અપાઈ છે. તેના સિવાય યુપીના જ્વેલર્સ એસોસિએશન તરફથી ૩૩ કિલો ચાંદીની ઈંટો દાન આપવામાં આવી છે.