રામ સેતુ માટે મુંબઇમાં શૂટ કરશે અંડરવોટર સિક્વન્સ
મુંબઈ, કોરોના મહામારી વચ્ચે પણ અભિનેતા અક્ષય કુમાર સૌથી વ્યસ્ત કલાકારોમાંથી એક છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન અભિનેતા ૨૦૦થી વધુ સભ્યોના કાસ્ટ અને ક્રૂ સાથે બેલ બોટમના સમગ્ર શેડ્યૂલને શરૂ કરવા અને સમાપ્ત કરવા માટે યુકે ગયો હતો. જે મહામારીની બીજી લહેર દરમિયાન થિયેટરોમાં હિટ થનારી પ્રથમ ફિલ્મ બની હતી.
છેલ્લા કેટલાક મહિનાઓમાં અભિનેતાએ પૃથ્વીરાજ, રક્ષાબંધન, રામ સેતુ, બચ્ચન પાંડે અને મિશન સિન્ડ્રેલા સહિત તેની ઘણી ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેની ફિલ્મ સૂર્યવંશી સિનેમાઘરોમાં રિલીઝ થનારી ૨૦૨૧ની પ્રથમ બિગ ટિકીટ ફિલ્મ બની હતી અને તેણે બોક્સ-ઓફિસ પર રૂ. ૨૩૧ કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. એક તરફ જ્યાં દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે અને ઓમીક્રોનના કેસો પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.
ત્યારે અભિનેતા અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ રામ સેતુના છેલ્લા શેડ્યુલના શૂટને પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ સેતુના શૂટિંગમાં લગભગ એક મહિનો બાકી છે, જેને નિર્માતાઓએ મુંબઈમાં પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. પ્રોડક્શન ટીમ હાલમાં સમગ્ર શેડ્યૂલ સેટ કરી રહી છે અને તે ઇન્ડોર તેમજ આઉટડોર શૂટ થશે.
ટીમ આ મહિનાના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. અભિનેતા અક્ષય કુમાર ફિલ્મ માટે અંડરવોટર સિક્વન્સ શૂટ કરી શકે છે. સુત્રોએ જણાવ્યા અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરુચાનો પણ ફિલ્મમાં સમાવેશ છે. આ કલાકારોએ નવેમ્બરમાં ઊટીનું શેડ્યૂલ પૂરું કર્યું હતું, જે પછી તેઓ અંડરવોટર સીન અને સમુદ્રના શોટ્સ શૂટ કરવા માટે શ્રીલંકા જવાના હતા. પરંતુ કોરોના મહામારીના કારણે તે શક્ય બન્યું નહીં.
તેથી કેટલુક રીસર્ચ અને લોકેશનની શોધખોળ કર્યા પછી ટીમે આ સિક્વન્સ શૂટ કરવા માટે દમણ અને દીવને તેમના અવેજી તરીકે ફાઇનલ કર્યુ છે. પરંતુ કેટલાક વધારા શોટ્સ છે જે બાકી છે અને નિર્માતાઓએ હવે તેને મુંબઈમાં પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. અક્ષય કેટલાક હાઈ-ઓક્ટેન અંડરવોટર સિક્વન્સ કરતો જાેવા મળશે, જેના માટે આંતરરાષ્ટ્રીય ક્રૂ પણ હાયર કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, અભિષેક શર્મા દ્વારા દિગ્દર્શિત રામ સેતુની જાહેરાત દિવાળી ૨૦૨૦માં કરવામાં આવી હતી. પરંતુ અક્ષય કુમાર સહિત ક્રૂના ઘણા સભ્યો કોરોનાવાયરસથી સંક્રમિત થયા પછી ફિલ્મની શૂટિંગ શરૂ કરવામાં વિલંબ થયો હતો.SSS