રાયખડ નજીક ટ્રાફીક પોલીસે હુમલો કરતાં બે ભાઈઓને ઈજા
ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતાં મામલો બિચક્યોઃ બંને યુવકોને સારવાર અર્થે ખસેડાયાં ઃ હવેલી પોલીસ સ્ટેશન પર લોકોનાં ટોળાં ઉમટ્યા
અમદાવાદ: નાગરીકોની સગવડ સાચવવા માટે શરૂ કરાયેલી વ્યવસ્થાનાં કારણે હવે નાગરીકો અને પોલીસો વચ્ચે ઘર્ષણનાં બનાવો વધી રહ્યાં છે. કેટલાંક તત્વો સરકારનાં કાયદા પાળતાં નથી. જ્યારે પોલીસ વધુ પડતી કડકાઈથી અમલ કરાવતી હોવાનાં દૃશ્યો વારંવાર જાવા મળી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં ગઈકાલે પોતાની બે દીકરીઓ સાથે ખમાસા નજીકથી જઈ રહેલાં એક વ્યક્તિએ સિગ્નલ તોડતાં ટ્રાફીક પોલીસની સાથે માથાકુટ થઈ હતી. ઝઘડો વધી જતાં ટ્રાફીક કર્મચારીઓએ આ વ્યક્તિ અને તેનાં ભાઈ સાથે જબરદસ્તી કરી તેમનાં ઉપર લાકડીઓ વડે તૂટી પડતાં બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થયાં હતાં.
ઉપરાંત એક લાકડી માથામાં વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ યુવાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોંધાવી હતી. આ અંગેની વિગત એવી છે કે રીઝવાન ખાન પઠાણ (આમીન એપાર્ટમેન્ટ, ટોકરશાની પોળ, રાયખડ) ગત રોજ રાત્રે સવા આઠ વાગ્યે ઘરે પોતાની બે દિકરીને આંટો મારવા નીકળ્યા હતાં. રાયખડ ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હોવા છતાં તેમણે એક્ટીવા આગળ લેતાં ટ્રાફીક પોલીસનાં જવાને તેમને ગાળ બોલીને વાહન પાછળ કરવા જણાવતાં રીઝવાનભાઈએ ગાળ બોલવાની ના પાડી હતી.
જેથી બંને વચ્ચે વધુ બોલાચાલી થઈ હતી. દરમિયાન રીઝવાનભાઈએ પોતાનાં મોટાભાઈ સરફરાજભાઈને ફોન કરી બોલાવ્યા હતાં. જ્યાં તેમની વચ્ચે વાત વધુ વણસતાં ચાર કર્મીઓએ બંને ભાઈઓને રીક્ષામાં બેસાડી ખમાસા ટ્રાફીક બુથમાં લઈ ગયા હતા. જ્યાં તેમની ઉપર લાકડી લઈ તુટી પડ્યા હતા. મારનાં કારણે બુમાબુમ કરતાં બંને ભાઈઓ પોતાનો જીવ બચાવીને બહાર ભાગ્યા હતા. દરમિયાન રીઝવાનભાઈને લાકડી માથામાં વાગતાં તે લોહીલુહાણ હાલતમાં એસવીપી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં.
જ્યાં સારવાર કરાવી હતી. આ ઘટનાની જાણ થતાં રહીશોનાં ટોળા રીઝવાનભાઈનાં સમર્નમાં હવેલી પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતાં. અને જવાબદાર કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. છેવટે હવેલી પોલીસે રવિભાઈ, જગદીશભાઈ, હિરેનભાઈ અને અન્ય એક કર્મી વિરૂદ્ધ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરાતાં આ ચારેય કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.