રાયગઢ દુર્ઘટના : 20 કલાક બાદ કાટમાળમાંથી 4 વર્ષનું બાળક સુરક્ષિત નીકળ્યું: મૃત્યુઆંક 9 થયો
રાયગઢ, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સોમવારે એક પાંચ માળની ઇમારત ધરાશયી થઇ હતી. સોમવાર સાંજથી જ કાટમાળની અંદર ફાસયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ બચાવ કાર્ય દરમિયાન એનડીઆરએફની એક ટીમે એક 4 વર્ષના બાળકને 20 કલાક બાદ કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે. સોમવારે સાંજે લગભગ સાત વાગ્યા આપસાપ આ દુર્ઘટના ઘટી હતી.. ત્યારબાદથી જ બચાવકાર્ય શરુ છે.
જે ચાર વર્ષના બાળકને બહાર કાઢવામાં આવ્યું છે તેનું સ્વાસ્થ્ય એકદમ બરાબર છે. એનડીઆરએફના કર્મીઓએ જણાવ્યું કે તેઓ જ્યારે કાટમાળ ખસેડતા હતા, ત્યારે તેમની નજર આ બાળક પર પડી, જે એક ખુણામાં બેઠો હતો. ત્યારબાદ આસપાસનો કાટમાળ દૂર કરીને આ બાળકને બહાર કાઢવામાં આવ્યું. બાળકને બહાર કાઢ્યા બાદ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે.
આ દુર્ઘટનામાં મૃત્યુઆંક નવ પર પહોંચ્યો છે. આ સિવાય હજુ પણ કેટલાક લોકો કાટમાળની અંદર ફસાયેલા છે. જેમને બચાવવાનું કામ શરુ છે. હજુ પણ 20 જેટલા લોકો કાટમાળમાં હોવાનું અનુમાન છે.