રાષ્ટ્રપતિએ પ્રેસિડન્ટ્સ એસ્ટેટમાં એસબીઆઈની શાખાનું ઉદ્ઘાટન કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/sbi3-1024x681.jpeg)
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ નવી દિલ્હીમાં પ્રેસિડન્ટ્સ એસ્ટેટમાં નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ શાખાનું ઉદ્ઘાટન ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પ્રથમ મહિલા શ્રીમતી સવિતા કોવિંદ સાથે કર્યું હતું. આ પ્રસંગે આદરણીય કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કિશનરાવ કરાડ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ શાખા પ્રેસિડન્ટ્સ એસ્ટેટના તમામ રહેવાસીઓને બેંકની તમામ પ્રકારની સેવાઓ પ્રદાન કરશે. આ શાખા સેફ ડિપોઝિટ લોકર્સ ઓફર કરશે અને એટીએમ, કેશ ડિપોઝિટ મશીન અને સેલ્ફ-સર્વિસ પાસબુક પ્રિન્ટર સાથે પણ સજ્જ છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં રાષ્ટ્રપતિના સચિવ શ્રી કે ડી ત્રિપાઠી, એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારા, એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર (રિટેલ એન્ડ ડિજિટલ બેંકિંગ) શ્રી સી એસ શેટ્ટી અને એસબીઆઈના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે, “પ્રેસિડન્ટ્સ એસ્ટેટમાં શાખા હોવી એ એસબીઆઈ માટે ગર્વની વાત છે. અમે આ શાખાના ઉદ્ઘાટન કરવા આદરણીય રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યાં એ બદલ એમનો આભાર માનીએ છીએ. આ શાખા તમામ ગ્રાહકોને બેંકિંગનો સુવિધાજનક અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે. પ્રેસિડન્ટ્સ એસ્ટેટમાં આ શાખા એસબીઆઈ માટે જ્વેલ કે પ્રતિષ્ઠા સમાન છે.”
એસબીઆઈ 22,000થી વધારે શાખાઓ અને 60,000 એટીએમ/સીડીએમનું મોટું નેટવર્ક ધરાવે છે– જે એના 2.5 લાખ કર્મચારીઓ દ્વારા આશરે 45 કરોડ ગ્રાહકોને સેવા આપે છે. બેંકની શાખાઓ અને એટીએમ દેશભરમાં કાર્યરત છે, જેમાં લડાખના લેહ જિલ્લામાં દિસ્કિત અને ખારદુંગ લા જેવા કેટલાંક અંતરિયાળ વિસ્તારો સામેલ છે.