રાષ્ટ્રપતિ કોવિંદ રામ મંદિર નિર્માણ સ્થળની મુલાકાત લેશે

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૬ થી ૨૯ ઓગસ્ટ ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.પ્રવાસના અંતિમ દિવસે તેઓ અયોધ્યા જશે અને શ્રી રામ મંદિરના નિર્માણ સ્થળની સમીક્ષા કરશે અને પ્રાર્થના કરશે. ચાર દિવસના પ્રવાસ દરમિયાન તેઓ લખનઉ, ગોરખપુર અને અયોધ્યાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ૨૬ ઓગસ્ટના રોજ લખનઉમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના ૯ માં દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.
રાષ્ટ્રપતિ ૨૭ ઓગસ્ટના રોજ લખનઉમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ડો.સૂપૂર્ણાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે અને કેપ્ટન મનોજ પાંડે સૈનિક શાળામાં એક સભાગૃહનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે, તે સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, લખનૌના ૨૬ માં કોન્વોકેશનમાં પણ હાજરી આપશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૮ ઓગસ્ટના રોજ ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ મહાવિદ્યાલયનો શિલાન્યાસ કરશે અને મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે.કોવિંદ ૨૯ ઓગસ્ટના રોજ લખનઉથી ટ્રેનમાં અયોધ્યા જશે, જ્યાં તેઓ ઉત્તર પ્રદેશ સરકારના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તુલસી સ્મારક ભવનનું નિર્માણ અને નગર બસ સ્ટેન્ડ અને અયોધ્યા ધામનો વિકાસ સામેલ છે. રાષ્ટ્રપતિ શ્રી રામ મંદિરના નિર્માણ સ્થળની પણ મુલાકાત લેશે અને તેમની અયોધ્યા યાત્રા પૂરી થયા પહેલા ત્યાં પ્રાર્થના કરશે.HS