રાષ્ટ્રપતીએ 3 કૃષિ બિલ પર હસ્તાક્ષર કરતા બન્યો કાયદો
નવી દિલ્હી, તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલ અંગે દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને પંજાબમાં ઘણો વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ સહિત આખો વિપક્ષ આ બિલ પાછા ખેંચી લેવાની માંગ કરી રહ્યો હતો, અને હરિયાણા તથા પંજાબમાં પણ ખેડૂત નેતાઓ સહિત મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધા વિરોધની વચ્ચે રાષ્ટ્રપતિએ કૃષિ સંબંધિત આ ત્રણેય બિલ પર હસ્તાક્ષર કર્યા છે, જે બાદ હવે આ કાયદા બન્યા છે. જો રિપોર્ટની વાત માની લેવામાં આવે તો, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડી શકે છે.
કોંગ્રેસ સહિત અન્ય વિરોધી પક્ષોનાં ભારે વિરોધ છતાં તાજેતરમાં કૃષિ બિલ આવશ્યક વસ્તું (સુધારો) બિલ, 2020, ખેડુતો વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020 અને ખેડુત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ અંગે કરાર બિલ, 2020, સંસદના બંને ગૃહોમાં પસાર થયા હતા. ત્યારબાદ તેઓને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. તમામ વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને તેમને હસ્તાક્ષર ન કરવા માટે વિનંતી કરી હતી.