Western Times News

Gujarati News

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ઉપર આમોદ પાલિકાએ નાખેલી ગેરકાયદેસર પાઈપલાઈન વાહનચાલકો માટે આફતરૂપ બની

હોટલ પેરીસ નજીક ફરી એકવાર એસિડ ભરેલું ટેન્કર ફસાયું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ જંબુસરને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે.વાહનો ફસાવવાની ઘટના સામાન્ય બની જવા પામી છે.આજરોજ આમોદ હોટલ પેરીસ સામે એસિડ ભરેલું ટેન્કર ફસાયું હતું.જેથી વાહનવ્યવહાર ઉપર અસર થઈ હતી.હાઈવે ઓથોરિટીએ આમોદ પાલિકાને નોટીસ આપી ગેરકાયદેસર નાખેલી પાઇપલાઇન દૂર કરવા જણાવ્યું છતાં આમોદ પાલિકાના શાસકો ટસના મસ થતા નથી અને નિર્દોષ વાહનચાલકો આમોદ પાલિકાના પાપનો ભોગ બની રહ્યા છે.

ગતરોજ પણ ટ્રક ફસાવવાની ઘટના બન્યા બાદ આજે ફરી એસીડ ભરેલું ટેન્કર ફસાતા દોડધામ મચી જવા પામી હતી.આમોદ નગરપાલિકાના શાસકોની લાપરવાહી કોઈ દિવસ મોટો અકસ્માત નોતરી શકે છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ઉપર ગત રાત્રે ટ્રક ડિવાઈડર ઉપર ચઢી જતા અકસ્માત.  આમોદના મલ્લા તળાવથી બત્રીસી નાળા સુધી તેર કરોડના ખર્ચે બનેલા રોડ ઉપર હાઇવે ઓથોરિટીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી એસ્ટીમેન્ટ મુજબ કામ ન કરી નકશા વિરૂદ્ધ રોડ પહોળો કરવાને બદલે સાંકડો બનાવી દેતા છાસવારે અકસ્માતો બન્યા કરે છે.

આમોદ જંબુસર રોડ ઉપર છેલ્લા એક મહિનામાં અડધો ડઝનથી વધુ વાહનો ફસાયા તેમજ ડિવાઈડર ઉપર ચઢી જવાના બનાવો બન્યા છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા રોડ અત્યંત બિસ્માર હાલતમાં બની ગયો છે.જેનું નિરાકરણ ઇજનેરો પણ કરી શક્યા નથી. જેથી સરકારે ફાળવેલ તેર કરોડ રૂપિયા જેવી રકમ પાણીમાં ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને રોડની કામગીરી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.