Western Times News

Gujarati News

રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મહીસાગર જિલ્લામાં વેગવંતો બન્યો પશુ નોંધણી કાર્યક્રમ

*હવે ઈયરટેગ બનશે પશુઓનું આધાર કાર્ડ*

*પશુઓમાં થતાં ઘાતક રોગો સામે મહીસાગર પશુપાલન વિભાગ દ્વારા વ્યાપક અભિયાન

જિલ્લાના ૨૭ હજાર પશુઓને આવરી લેવાયાંઃ ૭ લાખ પશુ નોંધણીનો લક્ષ્યાંક  

લુણાવાડા, વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે વર્ષ ૨૦૧૯-૨૦ માં સમગ્ર ભારત દેશમાં નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP)નો ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ શુભારંભ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ખરવા મોવાસા રોગમુક્ત વિસ્તાર જાહેર કરવા અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ખરવા મોવાસાને નિયંત્રિત કરી,

પશુપેદાશના આંતરરાષ્ટ્રીય બહોળું માર્કેટ મળી રહે અને પશુપાલકોની આવક બમણી કરવાનો છે. આ યોજનાના ખરવા મોવાસા રોગ અટકાવ અને નિયંત્રણના રસીકરણ અભિયાન અંતર્ગત મહીસાગર જીલ્લાના બધાજ પશુઓને ઈયર ટેગિંગ કરીને કેન્દ્ર સરકારશ્રી દ્વારા નિયત કરેલ INAPH સોફ્ટવેર પર ડેટા એન્ટ્રી કરવાની કામગીરી દ્વારા પશુઓને પોતાની ઓળખ આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મહીસાગર જિલ્લામાં કાર્યરત પશુ નોંધણી કાર્યક્રમમાં લુણાવાડા તાલુકાના વેલણવાડા ઉમિયા ડેરી ખાતે મહીસાગર જિલ્લાના કલેકટરશ્રી આર. બી. બારડ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાકુમારી દ્વારા NADCP અંતર્ગત પશુઓને ઈયર ટેગિંગ તથા INAPH સોફ્ટવેર પર ડેટા એન્ટ્રી કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં  આવ્યું તથા આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત હાલ મહીસાગર જીલ્લામાં ૭,૧૪,૧૧૧ પશુઓમાંથી અત્યારે હાલ ૨૬,૯૦૫ પશુઓને ઈયર ટેગિંગ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આ કામગીરી જીલ્લામાં આવેલી પશુપાલન શાખાની જીલ્લા પંચાયત તથા સ્ટેટની કચેરીઓ અને જીલ્લામાં કાર્યરત દૂધ સંઘ – પંચમહાલ તથા અમુલના સહયોગથી જીલ્લાના તમામ પશુઓની નોંધણી પૂર્ણ કરવામાં આવશે એમ નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. એમ.જી.ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ. કે.એમ.પંડિત, પશુચિકિત્સા અધિકારીશ્રી ડૉ. જે. ડી. કંસારા તથા પશુપાલન શાખાના અન્ય અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.