રાષ્ટ્રીય બાલિકા દિવસની ભારે ઉત્સાહપૂર્વક કરાયેલ ઉજવણી
ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત રેલી યોજાઈ – ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ૭ નવજાત બાળકીઓની માતાઓને મમતાકીટનું વિતરણ કરાયું
દરેક દિકરીના જન્મને પર્વની માફક ઉજવવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા
ગોધરા: દેશના બાળકોમાં દિકરા-દિકરીઓની સંખ્યા વચ્ચે પ્રવર્તતી અસમાનતા અને બાલિકાઓના શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, કાનૂની અધિકારો અંગે જાગરૂકતા વધારવા માટે ૨૪ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ આ દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ અને જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત એક રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. બાળકીઓના મહત્વ અને તેમના અધિકારો અંગે શહેરીજનોમાં જાગરૂકતા વધારવાના હેતુસર યોજાયેલ આ રેલી શેઠ પી.ટી. કોલેજથી ગાંધી પેટ્રોલપંપ થઈ ગાંધી ચોક જઈ કોલેજ પર પરત ફરી હતી.
આ જ નિમિત્તે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલિસ અધિક્ષકશ્રીના હસ્તે 7 નવજાત બાળકીઓની માતાઓને મમતા કીટનું વિતરણ કરી, તેમનું સન્માન કરી દિકરીઓના વધામણાં કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ માતા-નવજાત બાળકીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વનસ્ટોપ કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા પાઠવતા સંદેશમાં જિલ્લા સમાહર્તાશ્રીએ દરેક દિકરીના જન્મને પર્વની માફક ઉજવવા હાકલ કરી હતી, જેથી સમાજમાં દિકરીઓના મહત્વ વિશે જાગરૂકતા વધે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં બાળકોમાં લિંગાનુપાતની સ્થિતિ સુધારવા તેમજ દેશની દરેક દિકરીને તેમના અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા સરકારે રાષ્ટ્રવ્યાપી બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃધ્ધિ, વ્હાલી દિકરી સહિતની યોજનાઓ શરૂ કરી છે.