Western Times News

Gujarati News

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે યોગી સરકારને નોટિસ પાઠવી

લખનૌ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ યુપીના બસ્તી જિલ્લાના એક ગામમાં ૬ વર્ષમાં એક જ પરિવારના ૪ સભ્યોના મોત કથિત રૂપે કુપોષણથી થયા હોવાના અહેવાલ પર યોગી સરકારને નોટિસ પાઠવી છે. મામલાને ધ્યાન લેતા ખુદ એનએચઆરસીએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ પાસેથી ચાર અઠવાડિયામાં આ મામલે જવાબ દાખલ કરવા કહ્યું છે. આયોગે બસ્તીમાં સામાજિક કલ્યાણ યોજનાઓના કાર્યાન્વયન પર પણ એક રિપોર્ટ માંગ્યો છે. જેમાં તે પરિવાર વિશે વિવરણ આપવામાં આવ્યું છે, જ્યાં કથિત કુપોષણથી મૃત્યુ થયું છે.

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ઓઝાગંજમાં રહેતા હરિશચંદના પરિવારમાં પાછલા ૬ વર્ષો દરમિયાન ચાર સભ્યોએ પોતાના જીવન ગુમાવી દીધા છે, જેમાં ૩ તેમના બાળકો અને તેની પત્ની જેનું લીવર ખરાબ થવાને પગલે મૃત્યુ થયું છે. હરિશ્ચંદ્રનું કહેવું છે કે તેને કોઈપણ પ્રકારની મદદ નથી મળી રહી, જેને પગલે તે પોતાનું અને પોતાના બાળકનું ભરણપોષણ કરવા સક્ષમ નથી. એનએચઆરસીએ મામલામાં માહિતી મંગાવતા મુખ્ય સચિવ પાસે ચાર અઠવાડિયામાં આ વિશે જવાબ દાખલ કરવા કહ્યું છે.

એનએચઆરસીએ કહ્યું કે જો અહેવાલ સાચા છે તો આ પૌષ્ટિક ખોરાક, પર્યાપ્ત ઉપચાર અને જીવિકાના ઉચિત માધ્યમોની કમીને કારણે માનવાધિકારોના હનનના ગંભીર મુદ્દાને ઉઠાવે છે. એનએચઆરસીએ એક નિવેદનમાં કહ્યું કે કુપોષણ અને મૂળ સુવિધાઓની કમીથી આવા દુખદ મોતની સૂચના તેના માટે ચિંતાની વાત છે. આયોગે કહ્યું કે મામલામા યુપી સરકારની મુખ્ય સચિવને નોટિસ જાહેર કરી વિસ્તૃત રિપોર્ટ મંગાવી છે. જેમાં જિલ્લામાં સમાજ કલ્યાણ યોજનાઓને પ્રભાવી રીતે લાગૂ કરવાનો પણ ડેટા સામેલ છે.

આ સમગ્ર મામલે જિલ્લાધિકારી આશુતોષ નિરંજનનું કહેવું છે કે અધિકારીઓ પાસેથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે જો કોઈ અધિકારી દોષી સાબિત થશે તો તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.