રાસ્કાની પીવાના પાણીની પાઈપલાઈનમાં સાત દિવસથી પડેલ ભંગાણનું રીપેરીંગ હજુ થયું નથી
અમદાવાદ : મેગાસીટી, સ્માર્ટ સીટી, હેરિટેઝ સીટીના ટૅગ મેળવી અમપાના સતાધીશો હવામાં ઉડી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિક્તા એ છે કે અમદાવાદ શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણ ઝોનને પીવાનું પાણી પૂરી પાડતી રાસ્કાની પીવાની મુખ્ય લાઈનમાં છેલ્લા સાત દિવસથી ભંગાણ પડયુ છે. આ ભંગાણ રીપેર ન કરાતા જશોદાનગરના મુખ્ય ચાર રસ્તા પાસે કૂવા જેવો ભૂવો પડી ગયો છે.
કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અતુલ પટેલની ફરીયાદ અમપાના બહેરા કાન ધરાવતા ઈજનેરોને ન સંભળાતા તેમણે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને દરમ્યાનગીરી કરી કામગીરી કરાવવા રજુઆત કરી છે. મળતી માહિતી અનુસાર જશોદાનગર ચારરસ્તા પાસે નારોલ-નરોડા હાઈવે બ્રિજ નીચેથી પસાર થતી ત્રણ ઝોનને પીવાનું પાણી પૂરૂ પાડતી શેઢી સિંચાઈ યોજના આધારીત રાસ્કાની પીવાના પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા સાત દિવસથી ભંગાણ પડ્યુ છે.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર અતુલકુમાર પટેલે તંત્રના ઈજનેરોને રીપેરીંગ કરવા માટે રજુઆત કરી હતી. છતાં સુમારકામ ન થતાં તેમણે ગૃહમંત્રીને રજુઆત કરી છે. પ્રદિપસિંહને કરાયેલી રજુઆતમાં સ્થાનિક કોર્પોરેટરે કહ્યુ. સમયસર, સમારકામ ન કરાતા કૂવા જેવો વિશાળ ભૂવો પડ્યો છે.
વાહનચાલકો આવતા-જતાં અકસ્માતના ભયથી ડરે છે. ઉપરાંત ભંગાણથી પાણીની લાઈન સાથે ગટરની લાઈન જાડાઈ ગઈ છે. ખુ ગંદી વાસ આવે છે. આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એવી સંભાવનાઓ છે. કમિશ્નર વિજય નહેરાને કહો, ચેપ્ટર ફાઈવ (રૂલ્સ-ટુ) મુજબ આ ભંગાણની કામગીરી જડપથી પૂરી કરાવે. ચેપ્ટર-ફાઈવ (રૂલ્સ ટુ) હેઠળ મ્યુનિસિપલ કમિશ્નરને આકસ્મિક પરિસ્થિતિમાં કોઈપણ કાર્ય કરવાની સતા આપે છે.