Western Times News

Gujarati News

રાસ્કા પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરી ઓડ-કમોડ સુધી પાણી સપ્લાય કરવામાં આવશે :રૂા.ર૩પ કરોડનો ખર્ચ થવાનો અંદાજ

એકસપ્રેસ હાઈવેથી ઓઢવ સુધીના વિસ્તારમાં કોતરપુરથી પાણી સપ્લાય કરવામાં આવશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્તી અને વિસ્તાર વધી રહયા છે જેને અનુરૂપ પ્રાથમિક સવલતોમાં પણ વધારો કરવામાં આવે તે જરૂરી છે. શહેરના નાગરીકો માટે પાણી, ડ્રેનેજ, લાઈટ અને રોડની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાસ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને પાણી અને ડ્રેનેજના ૧૦૦ ટકા નેટવર્ક માટે તંત્ર કટિબધ્ધ છે.

શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે નવા નેટવર્ક નાંખવામાં આવી રહયા છે સાથે સાથે જાસપુર પ્લાન્ટના વિસ્તૃતીકરણ માટે પણ વિચારણા ચાલી રહી છે તેવી જ રીતે દક્ષિણ અને પૂર્વઝોનના વિસ્તારોમાં પણ પાણી સપ્લાય માટે લાંબાગાળાના આયોજન હાથ ધરવામાં આવી રહયા છે. જેમાં રાસ્કા પ્લાન્ટની ક્ષમતા વધારવા અને રાસ્કાથી ઓડ-કમોડ સર્કલ સુધી રીંગ રોડ સમાંતર પાણીની નવી લાઈનો નાંખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરના ૧૯૯પ-૯૬ના વર્ષમાં દુષ્કાળની પરિસ્થિતિ બાદ શેઢી કેનાલમાંથી પાણી લેવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત રાસ્કા (જીંજર ગામ) ખાતે રો-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. ર૦૧૦ની સાલમાં રાસ્કા ખાતે ર૦૦ એમ.એલ.ડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જયાંથી પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં ટ્રીરેટ વોટર સપ્લાય થઈ રહયુ છે. સરદાર પટેલ રીંગ રોડ આસપાસ મોટાપાયે ડેવલપમેન્ટ થઈ રહયુ છે તેથી ભવિષ્યમાં આ વિસ્તારોમાં પાણીની જરૂરીયાત રહેશે. હાલ રાસ્કા પ્લાન્ટ તેની પુરી ક્ષમતાથી ચાલી રહયો છે

તેથી મ્યુનિ. વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા રાસ્કાની કેપેસીટીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગ્ત અંદાજે સાત હજાર ચો.મી. જમીન પર અંદાજે ૩૦ કરોડના ખર્ચથી ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે પ્લાન્ટના નિર્માણ બાદ રાસ્કાથી ઓડ-કમોડ સુધીના વિસ્તાર સુધી અંદાજે ર૦ કિલોમીટર લંબાઈની પાઈપ લાઈન નાંખવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે રાસ્કા પ્લાન્ટથી પૂર્વ ઝોનમાં એકસપ્રેસ હાઈવેથી ઓઢવ સુધીના વિસ્તારમાં પાણી સપ્લાય થાય છે જેમાં વારિગૃહ, અબજીબાપા, રામોલ, અર્બુદાનગર, વસ્ત્રાલ, ઓઢવ સહીતના વો.ડી. સ્ટેશનનો સમાવેશ થાય છે. હાલ કોતરપુરથી વસ્ત્રાલ પાંજરાપોળ સુધી અંદાજે ર૧ કિ.મી. લંબાઈની નવી લાઈનો નાંખવામાં આવી છે જેના માટે અંદાજે રૂા.૧૦પ કરોડનો ખર્ચ થશે. સદર લાઈનનું કામ પુર્ણ થયા બાદ એકસપ્રેસ હાઈવેથી ઓઢવ સુધીના રીંગરોડ સમાંતર વો.ડી. સ્ટેશનમાં કોતરપુરથી ટ્રીટેડ વોટર સપ્લાય કરવામાં આવશે. જયારે દક્ષિણઝોનમાં રીંગ રોડ પર એક્ષપ્રેસ હાઈવેથી લાલગેબી સર્કલથી વિંઝોલ રેલ્વે લાઈન સુધી ૬૦૦ મી.મી. વ્યાસની બ્રાન્ચ લાઈન કાર્યરત છે.

આ લાઈન ઘણી જ નાની છે જયારે રીંગ રોડ પર વિંઝોલ રેલ્વે લાઈનથી ઓડ કમોડ (ગાય સર્કલ) સુધી કોઈ ટ્રેક ચેઈન્સ કે બ્રાન્ચ લાઈન નથી તેથી આ વિસ્તારમાં નવી લાઈનો નાંખી રાસ્કાથી પાણી સપ્લાય કરવા માટે નિર્ણય કરવામાં આવ્ય્‌ છે. એકસપ્રેસ હાઈવેથી ર૦૦ ફુટ રીંગ રોડ જંકશનથી સમાંતર ઓડ-કમોડ સુધી લાઈન નાંખવામાં આવ્ય્‌ બાદ હાથીજણ, વટવા, વિંઝોલ, અસલાલી, લાંભા અને ઓડ-કમોડ સુધીના રીંગ રોડ સમાંતર બંને તરફ થઈ રહેલા નવા મકાનોને રાસ્કાથી પાણી સપ્લાય થઈ શકશે

જેના માટે અંદાજે ૧૯ કિલોમીટર લંબાઈની નવી પાઈપ લાઈનો નાંખવામાં આવશે. સદ્‌ર કામ પૂર્ણ થયા બાદ વટવાના ત્રણ, લાંભા ઈન્દીરાનગર વિભાગ-૧ અને ર, વટવાના શ્રીનાથ સહીતના વો.ડી. સ્ટેશનમાં રાસ્કાથી સીધા પાણી સપ્લાય થઈ શકશે. સદ્‌ર લાઈનના રૂટમાં રેલ્વે લાઈન આવતી હોવાથી રામોલ તરફ ૪પ૦ મીટર રેલ્વે પુશીંગ કરવામાં આવશે. નવી લાઈનો નાંખવા માટે અંદાજે રૂા.૧૩૦ કરોડનો ખર્ચ થશે. એકસપ્રેસ હાઈવેથી રીંગરોડ સમાંતર ઓડ-કમોડ સુધી નવી લાઈનો નાંખી પાણી સપ્લાય કરવા માટે રાસ્કાની કેપેસીટીમાં વધારો કરવો જરૂરી છે. હાલ રાસ્કાની ક્ષમતા ર૦૦ એમ.એલ.ડી. છે. જેમાં વધુ ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વધારો કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.