રાસ્કા, વાંઠવાળી અને માંકવા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું ખાર્તમૂર્હત કરાયું
અંદાજીત રૂા.૭૮ લાખના ખર્ચે મહેમદાવાદ તાલુકાના નાગરિકોની આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો
ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવિન મકાનોથી નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો
–કેન્દ્રિય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ
સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા કટીબધ્ધ છે
-ગ્રામ વિકાસ અને ગ્રામગ્રૃહ નિર્માણ કેબિનટ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનાર પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રિય રાજયકક્ષાના સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવિન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે તો તે તેના પોતાનો, કુટુંબ, ગામ, રાજય, દેશ તેમજ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકશે.
જયારે શ્રધ્ધેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની શાસન ધુળા સંભારી અને ત્યાર બાદ દેશની શાસન ધુળા સંભારી છે, ત્યારથી આપણે તેના સાક્ષી છીએ કે આ સરકારે છેવાડાના માનવીની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. બાળક જન્મે તે પહેલા તેની માતાના ગર્ભમાં હોય ત્યારથી લઇ વૃધ્ધ થાય ત્યાં સુધી તેના આરોગ્યની ચિંતા કરે છે અને તેને મળવા પાત્ર આરોગ્યના તમામ લાભો ઘરે જઇને પણ આપવામાં આવે છે. જયારે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ રૂા.પાંચ લાખ સુધીની આરોગ્યની સેવાઓમાં મદદરૂપ થાય છે.
મંત્રીશ્રીએ ઉપસ્થિત જનમેદનીને સરકારની મળવાપાત્ર દરેક યોજનાઓનો લાભ લેવા જાહેર અપીલ કરી હતી. અહિંયા આ પેટા આરોગ્ય કેન્દ્ર થવાથી બિમારી વ્યક્તિઓને તરત જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળતી થશે જેનાથી ગ્રામ્ય નાગરિકોને ખુબ જ લાભ થશે. તેઓશ્રીએ સરકારી સંસાધનોને સાચવવા તેમજ તેની સ્વચ્છતા જાળવી રાખવા પણ જાહેર અપીલ કરી હતી. ગ્રામ વિકાસ અને ગ્રામગ્રૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, આપણા મહેમદાવાદનું સીએચસી સેન્ટર ખેડા જિલ્લાનું શ્રેષ્ઠ સીએચસી સેન્ટર છે.
સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા કટીબધ્ધ છે. ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર બનનાર છે અને દરેક આરોગ્ય કેન્દ્ર પાછળ અંદાજે ૨૫.૫૦ લાખ જેટલો ખર્ચ થશે. આમ, ત્રણેય સેન્ટરના મળી કુલ ૭૮ લાખ જેટલો ખર્ચ થશે. આ ખર્ચ વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાંથી મંજૂર કરવામાં આવેલ છે. આ બાંધકામ ૧૦૦ ચો.મી ના વિસ્તારમાં બનનાર છે. તેઓશ્રીએ કોરોના કાળ દરમ્યાન આરોગ્ય શાખા તરફથી થયેલ કામગીરીને બિરદાવી હતી. ઇનચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.કાપડિયાએ સ્વાગત પ્રવચન કરી આરોગ્ય શાખાની કામગીરી જણાવી હતી.
જયારે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી રાણાએ આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આરોગ્ય કર્મીઓનું શ્રેષ્ઠ કામગીરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, તાલુકા વિકાસ અધિકારીશ્રી પારસભાઇ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વ શ્રી વનરાજભાઇ, શ્રી અજીતભાઇ, શ્રી જુવાનસિંહ, સરપંચશ્રી કિન્નરીબા, તા.પં સદસ્યશ્રી ભુવાજી, ર્ડા.અલ્પેશભાઇ, તા. પં. પ્રમુખશ્રી ભીખાભાઇ, શ્રી અંકિતભાઇ, ર્ડા. ઠાકર, આરોગ્ય કર્મીઓ તથા મોટી સંખ્યામા લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહયા હતા.