રાહુલ ગાંધીએ ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનવાની તૈયારી બતાવી
નવી દિલ્હી, કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક કલહની વચ્ચે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનવાની તૈયારી બતાવી હોવાનુ પાર્ટીના સૂત્રોનુ કહેવુ છે.
મળતી વિગતો પ્રમાણે શનિવારે કોંગ્ર્ેસના વરિષ્ઠ નેતાઓની નવા અધ્યક્ષની પસંદગીને લઈને બેઠક મળી હતી.જેમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર હતા.પાંચ કલાક સુધી આ બેઠક ચાલી હતી.જેમાં ફરી એક વખત રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બને તેવી માંગ ઉઠી હતી.આખરે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પાર્ટી જે જવાબદારી આપશે તે સ્વીકારીશ.
સૂત્રોના કહેવા પ્રમાણે કેટલાક સાંસદોએ રાહુલ ગાંધીએ પાર્ટીની કમાન સંભાળવી જોઈએ.જ્યારે દિગ્વિજયસિંહે પણ કહ્યુ હતુ કે, પાર્ટીનુ નેતૃત્વ રાહુલ ગાંધીએ કરવુ જોઈએ.
2019માં રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી બાદ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.તે વખતે તેમણે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યુ હતુ કે, પાર્ટીને નવેસરથી સંગઠિત કરવાની જરુર છે.પાર્ટીનુ નેતૃત્વ મારા પછી કોણ કરશે તે પાર્ટી જ નક્કી કરશે.