રાહુલ ગાંધી પ્રશાંત કિશોરથી નારાજ થઈને વિદેશ જતા રહ્યા
નવીદિલ્હી, દિગ્વિજયસિંહે દાવો કર્યો કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાેડાય તેનાથી કોઈને વાંધો નથી. સૂત્રોની વાત માનીએ તો આ બિલકુલ અસત્ય છે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસ પ્રવેશ સામે દિગ્વિજયસિંહ સહિત ઘણાં બધાં નેતાઓને વાંધો છે, ત્યાં સુધી કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે પણ મતભેદ ઊભા થયા છે. પ્રશાંત કિશોરે પ્રેઝન્ટેશનમાં જે મુદ્દા રજૂ કર્યા તેના પર ચર્ચા-વિચારણા માટે રચવામાં આવેલા ગ્રુપમાંથી પણ રાહુલ ગાંધીને બાદ કરી દેવામાં આવ્યા છે.
પ્રશાંત કિશોરના પ્રેઝન્ટેશનની સમીક્ષા માટે રચવામાં આવેલા ગ્રુપે પાંચ દિવસની મીટીંગના અંતે સોનિયા ગાંધી સમક્ષ એક નાનકડો રીપોર્ટ પ્રસ્તુત કર્યો છે.
રીપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરી લેવા જાેઈએ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની સાથોસાથ ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીની જવાબદારી પણ તેમને સોંપી દેવી જાેઈએ. ૧૪ મેથી ઉદયપુરમાં યોજાનારી ત્રણ દિવસીય ચિંતન શિબિરથી જ પ્રશાંતના વિચારોની અમલવારી શરૂ કરી દેવી જાેઈએ.
પ્રશાંતે એવું સૂચન કર્યું કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જાેઈએ અને રાહુલ ગાંધીને કૉન્ગ્રેસની સંસદીય પાર્ટીના પ્રમુખ સુધી જ સીમિત કરી દેવા જાેઈએ. તેમના આવા સૂચનથી રાહુલ ગાંધી નારાજ થઈ ગયા છે. પ્રશાંત કિશોરની કોંગ્રેસ એન્ટ્રી જેટલી સહેલી માનવામાં આવી રહી છે એટલી સહેલી નથી.
રાહુલ ગાંધી તેમનાથી નારાજ થઈ ગયા છે તો બીજા કેટલાક નેતાઓને એવો પણ ભય છે કે પ્રશાંત કિશોર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રતિનિધિ છે અને કોંગ્રેસમાં પ્રવેશી કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માગે છે અલબત્ત આ વાત તથ્યવિહોણી છે તેમ છતાં કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા આવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પ્રશાંત કિશોરનું માનવું છે કે વર્તમાન સમયમાં ગાંધી પરિવારમાંથી જ કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ હોવી જાેઈએ, અને તેનો આગ્રહ પ્રિયંકા ગાંધી માટેનો છે. પ્રશાંતે તેમના પ્રેઝન્ટેશનમાં એવું કહ્યું કે તેઓ કોંગ્રેસના મીડિયા વિભાગને પોતાના નિયંત્રણમાં રાખશે.
પી. ચિદમ્બરમ, અંબિકા સોની અને દિગ્વિજયસિંહે તેમના આ સૂચનનો વિરોધ કર્યો છે. ટૂંકમાં પ્રશાંત કૉન્ગ્રેસમાં જાેડાય તોય આગળનો રસ્તો સરળ નથી. ભાજપ સામે લડતા પહેલાં તેમને કૉન્ગ્રેસની અંદર જ મોટી લડાઈ લડવી પડે તેમ છે. કૉન્ગ્રેસનું મેકઓવર એક પીડાદાયક પ્રોસેસ છે. પ્રશાંત કિશોર આ સર્જરી કરી શકશે કે કેમ? અને શું તેમને આ સર્જરી કરવા દેવામાં આવશે? તે સૌથી મોટો સવાલ છે.HS