રાહુલ ગાંધી ૬ એપ્રિલે અમદાવાદમાં ગાંધી સંદેશ યાત્રાનો આરંભ કરાવશે
અમદાવાદ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવનાર ૬ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે છે. ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે ૬ એપ્રિલના રોજ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ ખાતેથી જ ગાંધી સંદેશ યાત્રાને લીલી ઝંડી આપશે.
આ યાત્રા નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે પૂર્ણ થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદેશાને લોકો સુધી પહોંચાડશે.
૨૦૨૨નું વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ યર, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે ત્યારે ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના? અનેક અટકળો બાદ હવે નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પાક્કી છે તેવું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. ત્યારે ૬ એપ્રિલના પ્રવાસમાં રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રસના શીર્ષ નેતૃત્વ સાથે ચૂંટણી લક્ષી અને ખાસ કરીને નરેશ પટેલના કોંગ્રેસ આગમનની ચર્ચાને લઈને વાત થઈ શકે છે.
સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ નરેશ પટેલ તથા પ્રશાંત કિશોરને લઈને દિલ્હીમાં અનેક બેઠકો બાદ આખરે જ્યારે બંને કોંગ્રેસમાં આવી રહ્યા છે ત્યારે મંગળવારે પણ રાહુલ ગાંધી અને નરેશ પટેલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું સામે આવ્યું હતું જેમાં નરેશ પટેલે પોતાની શરતો અને ઈચ્છાઓ રાહુલ ગાંધીને જણાવી હતી.HS