રાહુલ-દિશાને આશીર્વાદ આપવા કિન્નર ઘરે પહોંચ્યા
મુંબઈ: રાહુલ વૈદ્ય અને દિશા પરમારે ૧૬ જુલાઈએ લગ્ન કર્યા છે. જ્યાં એકબાજુ રાહુલ વૈદ્ય અને દિશા પરમારને તેના ફેન્સ અને સેલેબ્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યાં બીજી બાજુ કિન્નર સમુદાયના લોકોએ પણ રાહુલ અને દિશાને આશીર્વાદ આપ્યા. તેઓ આ કપલને શુભેચ્છા પાઠવવા માટે ૨૬ જુલાઈએ તેમના ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ રાહુલ વૈદ્ય અને દિશા પરમારે કિન્નરોનું જાેરદાર સ્વાગત કર્યું અને તેમની સાથે ખૂબ નાચ્યા. કિન્નર ખૂબ ખુશ થયા અને તેમણે દિલથી રાહુલ વૈદ્ય અને દિશા પરમારને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તેમણે બક્ષિસરૂપે સવા લાખ રૂપિયા અને સોનાની નિશાની માગી.
તેમણે સાથે જ પૂજા કરી અને બાદમાં કિન્નરોના આશીર્વાદ લઈને તેમનો આભાર વ્યક્ત કર્યો. સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી એક્ટ્રેસ દિશા પરમાર ૧૬ જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ પરિવારજનો તેમજ મિત્રોની હાજરીમાં સાત ફેરા ફરીને આજીવન એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું છે. રાહુલ અને દિશાના લગ્ન મુંબઈના ગ્રાન્ડ હયાતમાં ધામધૂમથી થયા હતા. રાહુલ અને દિશાની મુલાકાત વર્ષ ૨૦૧૮માં મ્યૂઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન થઈ હતી. બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતાં પહેલા રાહુલ વૈદ્ય અને દિશા પરમાર સારા મિત્રો હતા
પરંતુ બાદમાં બંનેને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. રાહુલે નેશનલ ટેલિવિઝન પર દિશાને પ્રપોઝ કર્યું હતું. દિશા અને રાહુલના લગ્નમાં રાખી સાવંત, અનુષ્કા સેન, મીકા સિંહ, શ્વેતા તિવારી, અલી ગોની સહિત તેમના અનેક મિત્રો હાજર રહ્યા હતા અને તેમણે ખુબ મસ્તી કરી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રાહુલ વૈદ્ય હમણાં જ સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડીનું શૂટિંગ સમાપ્ત કરીને કેપટાઉનથી પાછો ફર્યો છે. આ શૉ ટીવી પર ઓન એર થઈ ગયો છે. હવે આ શૉ કોણ જીતશે તે સમય જ જણાવશે.