રિક્ષામાં બેઠેલી મહિલાની સોનાની ચેઈન ખેંચાઈ
અમદાવાદ, બાપુનગર વિસ્તારમાં રિક્ષાચાલક અને મુસાફરીના સ્વાંગમાં બેઠેલા તેના સાગરીતો મહિલાની નજરચુકવી ગળામાંથી ૮૪ હજારની સોનાની ચેઈન સેરવી લઈ ફરાર થઈ ગયા હતા.
શહેરકોટડાના આશાપુરા ટેનામેન્ટમાં રહેતા ગીતાબહેન મકવાણાએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગીતાબહેન પગમાં ફેકચર થયું હોવાથી બપોરના સમયે રાબેતા મુજબ બાપુનગરના આર્શીવાદ ફિઝિયોથેરાપીમાં ગયા હતા. તેઓ સારવાર કરાવીને પરત ઘેર જવા માટે રિક્ષાની રાહ જાેઈ રહ્યા હતા તે દરમિયાન એક રીક્ષા તેમની પાસે આવી હતી, જેમાં ગીતાબહેન બેસી ગયા હતા.
જાેકે પહેલાંથી જ રિક્ષામાં ત્રણ પેસેન્જર બેઠેલા હતા. આ બેઠેલા શખ્સો પૈકી એક શખ્સે મારે નજીકમાં ઉતરવાનું છે તમે વચ્ચે બેસી જાઓ તેમ કહ્યું હતું તેણે આમ કહેતા ગીતાબહેન વચ્ચે બેસી ગયા હતા આ દરમિયાન રિક્ષામાં અગાઉથી જ બેઠેલા ત્રણ પેસેન્જરોએ ગીતાબહેનની નજર ચુકવી તેમના ગળામાંથી ૮૪હજારની સોનાની ચેઈન સેરવી લીધી હતી, રિક્ષાચાલકે ગીતાબહેનને કહ્યું કે બીજા રસ્તે રિક્ષા જાય છે.
રિક્ષાચાલક આમ કહીને તેમને સાધના સ્કુલ પાસે ઉતારીને જતો રહ્યો હતો. ગીતાબહેન રિક્ષામાંથી ઉતરતા તેમને શક જતા તેમણે ગળામાં ચેઈન છે કે નહી તેમ ચેક કૃયુ તો તેમની ચેઈન ગાયબ હતી. આથી ગીતાબહેને તાત્કાલીક પોલીસ કંટ્રોલમાં ફોન કરી અજાણ્યા રિક્ષાચાલક અને રિક્ષામાં બેઠેલા પેસેન્જર વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. (એન.આર.)