રિક્ષા અને બાઇક ધડાકાભેર અથડાતા યુવાનનું કરૂણ મોત
બનાસકાંઠા, બનાસકાંઠાના દિયોદર પાસે આવેલા ધનકવાડા ગામ નજીક બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને દિયોદર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર તાલુકાના ધનકવાડા પાસે આજે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ધનકવાડા ગામનો રહેવાસી ૨૧ વર્ષીય યુવક નરેશ ઠાકોર આજે બાઇક લઇને દિયોદર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સામેથી આવી રહેલી રીક્ષા અને બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા અને લોહીલુહાણ થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નરેશ ઠાકોરનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. બનાવને પગલે આજુબાજુના લોકો પણ રાહત કામગીરી માટે દોડી આવ્યા હતા. અકસ્માત ની જાણ થતાં દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ યુવકના મોતથી ધનકવાડા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ વચ્ચે છેલ્લા પાંચ દિવસમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. મહત્વનું છે કે, ભાભર સુઈગામ હાઈવે પર થોડા કલાકો પહેલા જ અકસ્માતમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું. આ હાઇવે પર હરિધામ ગૌશાળા પાસે બાઇક સ્લીપ ખાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત થવાની ઘટના સામે આવી હતી. સૂઇગામ તાલુકાના ઉચોસણ ગામનો ઠાકોર પરિવાર મૈયતમાંથી બાઈક પર ત્રણ સવારીમાં પરત ફરી રહ્યા હતા તે સમયે હરિરામ ગૌશાળા પાસે અચાનક બાઈક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.SSS