રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સની કૌટુંબિક ભાઈએ જ હત્યા કરી
શાહપુરમાં કૌટુંબિક ભાઈએ જ ભાઈને રહેંસી નાંખ્યો
(એજન્સી)અમદાવાદ, રથયાત્રાના બંદોબસતમાં પોલીસ વ્યસ્ત હતી ત્યારે અમદાવાદ શહેર હત્યાની ઘટનાઓથી રક્તરંજિત થયું છે. આસ્ટોડિયા અને સાબરમતી બાદ હવે શાહપુર વિસ્તારમાં મોડી રાતે હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. રથયાત્રા પૂર્વે વેજલપુર, ગોમતીપુર અને નિકોલમાં થયેલી હત્યાઓથી પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા ત્યારે હવે ત્રણ દિવસમાં હત્યાના ત્રણ બનાવ બનતા પોલીસની કામગીરી પર માછલાં ધોવાઈ રહ્યાં છે.
શાહપુર રેંટિયાવાડી વિસ્તારમાં રહેતા એક આધેડ પોતાની દીકરી તેમજ ભાણેજ અને ભત્રીજા સાથે ધાબા પર સૂતા સૂતા વાતો કરી રહ્યા હતા ત્યારે તેમનો કૌટુંબિક ભાઈ આવ્યો હતો અને તું મને કેમ અવારનવાર જાદુટોણાં કરીને હેરાન પરેશાન કરી રહ્યો છે તેમ કહીને છરીઓના ઘા ઝીંકી દીધા હતા. સંતાનોની સામે જ આધેડને છરીઓના ઘા ઝીંકીને હુમલાખોર નાસી ગયો હતો.
ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મિરઝાપુર રોડ પર આવેલી રેંટિયાવાડીમાં રહેતા પ૬ વર્ષના કુબરાબીબી અખ્તરહુસૈન શેખે શાહપુર પોલીસ સ્ટેશનમાં મહંમદસલીમ શેખ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે.
કુબરાબીબી પતિ અખ્તરહુસૈન તેમજ બાળકો અને જેઠ, જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. અખ્તરહુસૈન રિક્ષા ડ્રાઈવિંગ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેમની મોડી રાતે તેમના કૌટુંબિક ભાઈએ હત્યા કરી નાંખી છે. મહંમદસલીમ અખ્તરહુસૈનનો ભાઈ થાય છે અને બબાલ કરવાની ટેવ ધરાવે છે.
મોડી રાત્રે અખ્તરહુસૈન તેમની દીકરી શિફાબાનુ, ભાણેજ સૈફ, ભત્રીજી સીમાબાનુ ધાબા ઉપર સૂતા સૂતા વાતચીત કરી રહ્યા હતા ત્યારે એકાએક મહંમદ સલીમ હાથમાં ધારદાર છરી લઈને ઘૂસી ગયો હતો. મહંમદસલીમ અખ્તરહુસૈનના મામાનો દિકરો થાય છે. મહંમદસલીમે આવતાની સાથે જ અખ્તરહુસૈનને કહ્યું હતું કે તું મને કેમ અવાર નવાર જાદુટોણાં કરીને હેરાન પરેશાન કરી રહ્યો છે.
અખ્તરહુસૈન કોઈ જવાબ આપે તે પહેલાં સલીમે તેમના પેટમાં છરી ઘૂસાડી દીધી હતી. અખ્તરહુસૈને બૂમાબૂમ કરતાં તેમના ભાઈ મહંમદ અસલમ સહિતના લોકો દોડી આવ્યા હતા. અખ્તરહુસૈનને આડેધડ છરી માર્યા બાદ સલીમ ત્યાંથી નાસી ગયો હતો. પેટમાં છરી નાંખતાની સાથે જ આંતરડા બહાર આવી ગયા હતા. ઈજાગ્રસ્ત અખ્તરહુસૈનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
દીકરી, ભાણેજ તેમજ ભત્રીજા સામે મોડી રાતે સલીમે ખૂનની હોળી રમતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ શાહપુર પોલીસને થતાં તે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને સલીમ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાહપુર પોલીસે અખ્તરહુસૈનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.
અખ્તરહુસૈનનું બે માળનું મકાન છે જ્યાં તે પોતાના પરિવાર સાથે વાતો કરતાં હતા ત્યારે હત્યા કરવાના ઈરાદે સલીમ આવી પહોંચ્યો હતો. અખ્તરહુસૈનને પરિવારની સામે છરીના ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં તે દોડીને નીચે ઉતરી ગયો હતો.
લોકોનું ટોળું તેને મારશે તે ડરથી સલીમ નજીક આવેલા એસઆરપી કેમ્પમાં સરેન્ડર થઈ ગયો હોત. એસઆરપીના જવાનોએ સલીમની હાથ લોહીથી ખરડાયેલા જોતાની જ સ્થાનિક પોલીસને જાણ કરી દીધી હતી. શાહપુર પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચીને તેની ધરપકડ કરી હતી.