રિક્ષા ચાલકે યુવાનને ધક્કો મારતા કેનાલમાં પડી જવાથી મોત થયું
અમદાવાદ: વટવા વિસ્તારમાં આવેલી એક કેનાલ ઉપર બે મિત્રો ઊભા હતા તે સમયે એક રિક્ષાવાળો ત્યાંથી પસાર થતો હતો. તેણે આ બંને મિત્રોને રસ્તામાંથી હટી જવા માટે હોર્ન માર્યો હતો અને બાદમાં એક યુવક સાથે બોલાચાલી કરી તેની સાથે મારામારી કરી હતી જે બાદ તેને ધક્કો માર્યો હતો.
ધક્કો વાગતા યુવક કેનાલમાં પડી ગયો હતો. જોકે, ૨૪ કલાક બાદ આ યુવકની લાશ બારેજા અસલાલી તરફની કેનાલમાંથી મળી આવતા સમગ્ર બાબતનો ખુલાસો થતાં નારોલ પોલીસે આ અંગે એક શખ્સ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
અમદાવાદના ગોમતીપુરમાં રહેતા અમજદ ખાન પઠાણ તેમની પત્ની અને બાળકો સાથે રહી પ્લમ્બર કામની છૂટક મજૂરી કરે છે. તેમના કુટુંબમાં તે પાંચ ભાઈઓ છે. જેમાં એક ભાઈ ફિરોઝ ખાન કે જે વટવામાં પત્ની અને ચાર બાળકો સાથે રહે છે. ગઈ તારીખ-૨૭મીના રોજ અમજદ ખાન ઇસનપુર મેદાનમાં મેચ રમવા ગયા હતા. ત્યારે તેમના મિત્ર સાઉદ અન્સારીનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે તેમનો ભાઈ વટવા કેનાલના પાણીમાં ડૂબી ગયો છે. જેથી તેઓ તરત જ વટવા કેનાલ ખાતે ગયા હતા.
ત્યારે તેમનો મિત્ર તથા અન્ય માણસો ત્યાં કેનાલ ઉપર ભેગા થયા હતા અને અમજદ ખાનના ભાઈ ફિરોઝ ખાનને કેનાલમાં શોધતા હતા. પરંતુ કેનાલના પાણીમાં ફિરોજખાન મળી આવ્યા ન હતા. જેથી બાદમાં ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી અને કલાકો સુધી તેમનો પતો ન લાગતા આખરે નારોલ પોલીસને જાણ કરી હતી. નારોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધ પણ કરાવી હતી. જોકે, ફિરોજખાન પાણીમાં ડૂબી ગયા હોવાથી તેમની લાશ મળી ન હતી.
બાદમાં તપાસ કરતા ફિરોઝ ખાનની લાશ અસલાલી બારેજા તરફ જતી કેનાલમાંથી મૃત હાલતમાં મળી હતી. બાદમાં તમામ પ્રકારની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કરાવી ગોમતીપુર કબ્રસ્તાનમાં ફિરોઝ ખાનની દફનવિધિ કરવામાં આવી હતી.
બાદમાં અમજદખાને તપાસ કરી તેના મિત્રની પણ પૂછપરછ કરી હતી, ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, મરણ જનાર ફિરોઝ ખાન તથા સાઉદ બંને વટવા કેનાલ ઉપર પાળી પર ઉભા હતા
ત્યારે એક રિક્ષાવાળો ત્યાંથી નીકળ્યો હતો અને તેણે રસ્તા વચ્ચેથી હટી જવા હોર્ન માર્યો હતો. બાદમાં ફિરોઝ ખાન સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો.
આ દરમિયાન રિક્ષાવાળાએ ધક્કા મારતા ફિરોજખાનને ધક્કો વાગ્યો હતો. જેના કારણે ફિરોજખાન કેનાલના ઊંડા પાણીમાં પડી ગયા હતા. જેથી તેમને કેનાલનો કેટલોક ભાગ વાગી જતા પાણીમાં ડૂબી ગયા હતા.