રિઝર્વ બેંકે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નહીં : ૪ ટકા જાળવી રાખ્યો
મુંબઇ: ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ૩ દિવસીય બેઠક બુધવારે પૂરી થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ કારણે લોનના ઈએમઆઈ પર વધુ રાહત નહીં મળે. રિઝર્વ બેંકે રેપો રેટને ૪ ટકા જાળવી રાખ્યો છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે એમપીસીની ૩ દિવસીય બેઠક ૫ એપ્રિલે ચાલુ થઈ હતી. શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જાે કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી ૫ ટકાની ઉંચાઈ પર રહી તેમ છતા તે રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાની અંદર જ છે.
રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫ ટકા જાળવી રાખ્યો છે. રેપો રેટ એટલે એવો દર જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે રિઝર્વ બેંક પોતાના પાસે પૈસા જમા કરાવવા પર બેંકોને જે વ્યાજ આપે તે.કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ છતા રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૧૦.૫ ટકા જાળવી રાખ્યું છે. એમપીસીએ પાછલી જાહેરાતમાં પણ જીડીપી માટે આ અનુમાન બહાર પાડ્યું હતું.
આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે કોવિડ-૧૯ કેસોમાં હાલમાં જે વધારો થયો છે તેનાથી ઘણા રાજ્યોમાં કડક પ્રતિબંધો લાગુ થઈ રહ્યા છે. આનાથી ઘરેલુ વિકાસના દ્રષ્ટિકોણમાં અનિશ્ચિતતા જાેડાય છે. જાે કે તમામ પડકારો બાદ પણ ૨૦૨૧-૨૨ માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિનુ અનુમાન ૧૦.૫% પર યથાવત છે. શક્તિકાંત દાસે જણાવ્યુ કે સીપીઆઇ મુદ્રાસ્ફીતિ માટે પ્રક્ષેપણ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકમાં ૫ટકા, ૨૦૨૧-૨૨ના પહેલા અને બીજા ત્રિમાસિકમાં ૫.૨ ટકા, ત્રીજા ત્રિમાસિકમાં ૪.૪ ટકા અને ચોથા ત્રિમાસિકમાં ૫.૧ ટકા જાેખમ સાથે મોટાભાગે સંતુલિત છે.
આ ઉપરાંત રિઝર્વ બેંક પૂરતી તરલતા સાથે બજારનુ સમર્થન કરશે.વળી, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ત્રિમાસિકમાં કેન્દ્રીય બેંક એક લાખ કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદશે. આમાં સરકારી સિક્યોરિટીઝ પ્રોગ્રામ હેઠળ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદવામાં આવશે. શક્તિકાંત દાસે ટીએલટીઆરઓ ઑન ટેપ યોજનાને લંબાવીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ કરી દીધી છે. સાથે જ નાબાર્ડ, એનએચબી અને સિડબીને ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનુ એલાન પણ કરવામાં આવ્યુ છે.