રિતિક રોશનનાં માતા કોરોના પોઝિટિવ આવ્યા
મુંબઈ: કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને આંકડા ડરાવી રહ્યા છે. બોલિવુડની વાત કરીએ તો, વધુ એક સેલિબ્રિટીને કોરોના વાયરસે શિકાર બનાવી છે. એક્ટર રિતિક રોશનની મમ્મી પિંકી રોશનને કોરોના થયો છે. રાકેશ રોશન હાલ ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં છે.
ત્યારે પત્ની પિંકીનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી તેઓ ખંડાલામાં જ રહેશે તેવો અંદાજો છે. આખરે કોરોનાના દર્દીની આસપાસ ઓછા લોકો હોય તે જરૂરી છે. રિતિક રોશન પણ હાલ માતા-પિતાના જૂહુ સ્થિત ઘરે નથી. તે નજીકમાં આવેલા તેના બીચ ફ્લેટમાં છે, જ્યાં થોડા વર્ષો પહેલા જ શિફ્ટ થયો હતો.
કોરોના મહામારી દરમિયાન દીકરાઓ હૃદાન અને રેહાન સાથે રહેવા રિતિકની પૂર્વ પત્ની સુઝેન તેના ઘરે આવી હતી. હાલ તે પણ દીકરાઓ સાથે વર્સોવાના ફ્લેટમાં જતી રહી છે. તો આ તરફ રિતિકના પરિવાર પિંકી રોશન માટે આઈસોલેશનની પૂરતી વ્યવસ્થા કરી છે. સાથે જ તેઓ તકેદારીના તમામ પગલાનું પાલન કરી રહ્યા છે.
આ વાતની પુષ્ટિ કરવા પિંકી રોશનનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું, તકેદારીના ભાગરૂપે લગભગ દર ૨૦ દિવસે અમે તમામનો ટેસ્ટ કરાવીએ છીએ. આમાં અમારા પરિવારના તમામ સભ્યો અને સ્ટાફનો સમાવેશ થાય છે. આ વખતે લગભગ અઠવાડિયા પહેલા હું બોર્ડરલાઈન કોરોના પોઝિટિવ આવી છું.
મારા શરીરમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી ત્યારે ડૉક્ટરોનું કહેવું છે કે, યોગ અને કસરતના રૂટિનને કારણે આને નિયંત્રિત કરી શકાયો છે. જો કે, આનો અર્થ એ પણ છે કે, વાયરસ મારા શરીરમાં ૧૫ દિવસથી છે. આવતીકાલે હું ફરીથી ટેસ્ટ કરાવીશ અને મને આશા છે કે રિપોર્ટ નેગેટિવ આવશે. પિંકીએ આગળ કહ્યું મારી મમ્મી, મારી દીકરી સુનૈના અને દોહિત્રી સુનારિકા મારી સાથે છે. તેઓ સાવચેતીના તમામ પગલાં ભરી રહ્યા છે. તો રાકેશ રોશને પણ પત્નીના કોરોના પોઝિટિવ હોવા પર પ્રતિક્રિયા આપી છે.
રાકેશ રોશને કહ્યું પિંકીના શરીરમાં કોરોના વાયરસના કાઉન્ટ ખૂબ ઓછા છે. તે આવતીકાલે ફરીથી ટેસ્ટ કરાવવાની છે. મહત્વનું છે કે, પિંકી રોશન પહેલા અમિતાભ, અભિષેક, આરાધ્યા અને ઐશ્વર્યા રાય બચ્ચન, પૂરબ કોહલી, અર્જુન કપૂર, મલાઈકા અરોરા વગેરે જેવા કલાકારો પણ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.