Western Times News

Gujarati News

રિન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગને કારણે ગુજરાતમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો

વર્ષ 2017 ની સરખામણીમાં 2022 માં ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં કાર્બન ઉત્સર્જનમાં લગભગ 115% ઘટાડો

રાજપીપલા, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાત સરકારે આપેલ માહિતી અનુસાર છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં થર્મલ પાવરમાંથી થતા કાર્બન ઉત્સર્જનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિદ્ધિ રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીને અપાતા પ્રોત્સાહનના કારણે પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતાને (Installed Capacity) સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. હાલ ગુજરાત રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમે છે.

*રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં વધારો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સહાયરૂપ*

ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની સતત વધતી જતી સ્થાપિત ક્ષમતાની પર્યાવરણ પર સીધી અસર જોવા મળે છે, રાજ્યમાં વર્ષ 2017 ની સરખામણીમાં 2022 માં કાર્બન ઉત્સર્જનમાં લગભગ 115% જેટલો ઘટાડો કર્યો છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો વર્ષ 2017-18 માં 12.08 મિલિયન ટન હતો, જે વર્ષ 2021-22 માં વધીને 26.01 મિલિયન ટન થયો છે.

આ જ રીતે, ગુજરાત છેલ્લા 5 વર્ષમાં રિન્યુએબલ એનર્જી દ્વારા કુલ 90.09 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સફળ રહ્યું છે. નોંધનીય છે કે પરંપરાગત વીજળીના ઉત્પાદનમાં કોલસાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેના કારણે આ સમગ્ર પ્રક્રિયામાં કાર્બન ઉત્સર્જન પણ વધારે થાય છે.

રિન્યુએબલ એનર્જી લઈ રહી છે પરંપરાગત વીજ ઉત્પાદન પ્રક્રિયાનું સ્થાન

રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં વધારાનો સીધો સંબંધ પરંપરાગત વીજ ઉત્પાદન પ્રક્રિયા પરની ઓછી નિર્ભરતા સાથે છે. વર્ષ 2017-18 માં ગુજરાતમાં વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતામાં 8,065 મેગાવોટ સાથે રિન્યુએબલ એનર્જીની હિસ્સેદારી (હાઇડ્રો એનર્જી સાથે) 29% હતી જે વર્ષ 2022 માં  વિજળી ઉત્પાદનની સ્થાપિત ક્ષમતામાં 17,367 મેગાવોટના યોગદાન સાથે રિન્યુએબલ એનર્જીની હિસ્સેદારી વધીને 42% થઈ.

આ માહિતીથી એ વાત સ્પષ્ટ છે કે, છેલ્લા 5 વર્ષમાં રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં ઉત્તરોત્તર વૃદ્ધિને કારણે પરંપરાગત વીજળી દ્વારા બનાવવામાં આવેલા એનર્જી યુનિટ્સને રિન્યુએબલ એનર્જીથી રિપ્લેસ કરવામાં આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે, ગુજરાત તેની વધતી જતી ઉર્જાની માંગને ન માત્ર રિન્યુએબલ એનર્જીથી પૂરી કરી રહ્યું છે, પરંતુ આમ કરીને પર્યાવરણના સુધારામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, GUVNLના GM (RE&IPP) સુશ્રી શૈલજા વછરાજાનીએ પર્યાવરણ સંરક્ષણ પર ઉર્જા વિભાગના યોગદાન વિશે વાત કરતા જણાવ્યું કે, “અમે રાજ્યની સતત વધતી જતી ઉર્જાની માંગને રિન્યુએબલ એનર્જીથી પુરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

અમારા આ પ્રયાસોએ પર્યાવરણને સુધારવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિભાગોને સૂચના આપી છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 2070 સુધીમાં ભારતને 0% કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બનાવવાના સંકલ્પમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ હોય તે માટે આપણે સૌ એ આપણા સ્તરે સુનિશ્ચિત કરવું જોઈએ.”

2030 માં કાર્બન ઉત્સર્જનમાં 139 મિલિયન ટન ઘટાડો કરવાનું લક્ષ્ય ગુજરાતના ઉર્જા વિભાગે 2030 સુધીમાં ઉર્જા ઉત્પાદનમાંથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને 139 મિલિયન ટન સુધી લઈ જવાનો નક્કી કર્યો છે. આ માટે રાજ્ય સરકાર 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતાને 68,000 મેગાવોટ સુધી વધારશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.