રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ હું સંપૂર્ણરીતે સ્વસ્થ નથી
મુંબઈ: બોલિવૂડ એક્ટર રણવીર શોરીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેણે પોતાની તબિયત વિશેની લોકોને જાણકારી આપી છે. એક્ટર રણવીર શોરીએ જણાવ્યું કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ હું સંપૂર્ણરીતે સ્વસ્થ નથી. મને હજુ પણ સ્વાદ પારખવામાં અને સૂંઘવાની શક્તિમાં અડચણ નડી રહી છે. એક્ટર રણવીર શોરીને રવિવારે એક ટિ્વટર યૂઝરે પૂછ્યું કે હવે તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે અને શું તેઓને જમતી વખતે સ્વાદ આવી રહ્યો છે કે નહીં?
આ સવાલના જવાબમાં રણવીર શોરીએ કહ્યું કે દુઃખની વાત છે કે મને હજુ પણ સ્વાદ પારખવામાં અને સૂંઘવાની શક્તિમાં સમસ્યા નડી રહી છે. હજુ પણ સ્વાદ અને સુગંધ પાછી આવી નથી. અહીં નોંધનીય છે કે ગત મહિને ફેબ્રુઆરીમાં એક્ટર રણવીર શોરીએ કોરોના વાયરસ સંક્રમિત થયો હોવાની વાત જણાવી હતી અને તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતા.
ગયા અઠવાડિયે રણવીર શોરીએ ટિ્વટ કરીને ફેન્સને જણાવ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. રણવીર શોરીએ ટિ્વટ કરતા લખ્યું કે એક અઠવાડિયાનું ક્વોરન્ટાઈન અને ટ્રીટમેન્ટ પછી આ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બોલિવૂડ એક્ટર રણવીર શોરીની જાણીતી ફિલ્મોમાં ‘લક્ષ્ય’, ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘ખોસલા કા ઘોસલા’, ‘ટ્રાફિક સિગ્નલ’, ‘મિથ્યા’, ‘ફેટ્સો!’, ‘તિતલી’, ‘એ ડેથ ઈન ગુંજ’, ‘સોનચીડિયા’, ‘લૂટકેસ’ વગેરેનો સમાવેશ થાય છે. બોલિવૂડ એક્ટર રણવીર શોરી હાલમાં જ વેબ સિરીઝ ‘મેટ્રો પાર્ક’ની બીજી સિઝનમાં જાેવા મળ્યો હતો.