Western Times News

Gujarati News

રિયલ એસ્ટેટ ક્ષેત્રમા જરૂરી મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવાશે – મુખ્યમંત્રી

ક્રેડાઇ અને ગાહેડના ‘રાઇઝિંગ ટુગેધર’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદના હેબતપુર ખાતે ક્રિસ્ટાર બેન્કવેટ ખાતે ક્રેડાઈ અને ગાહેડ દ્વારા આયોજિત “રાઇઝિંગ ટુગેધર” કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જરૂરી મંજૂરીઓની વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે.

મુખ્યમંત્રીશ્રીએ રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓની વિનંતીનો પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આ માટે વહીવટી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થઈ રહેલા રોજગાર સર્જનના પગલે રાજ્યની રાષ્ટ્રની વિકાસની ગતિ વધુ ઝડપી બનશે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રારંભિક ઉદબોધનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની રોજગાર સર્જન માં ભૂમિકાની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે , આ ઉદ્યોગના કારણે અનેક ઉદ્યોગોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગાર સર્જન થાય છે તેથી જ આ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે , રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હવે હાઈલી સ્કીલ્ડ પ્રોફેશનલનું આગમન થયું છે જેના પગલે ગુણવત્તાયુક્ત મકાનોનું નિર્માણ થઇ રહ્યું છે.

આ અવસરે તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્રના સામાજિક યોગદાન પણ સરાહના કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ આ ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પણ આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ક્રેડાઇ અમદાવાદ ગાહેડના પ્રમુખશ્રી તેજસ જોશી, ઉપપ્રમુખ શ્રી ધ્રુવ પટેલ તેમજ ક્રેડાઇ ઇન્ડિયાના ઉપપ્રમુખ શ્રી શેખર પટેલ સહિત રિયલ એસ્ટેટ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.