રિયા ચક્રવર્તીને સોસાયટીએ ઘર ખાલી કરવા જણાવ્યુ
મુંબઈ, અભિનેત્રી રિયા ચક્રવર્તી અત્યારે મુંબઈમાં પોતાના માટે ઘર શોધી રહી છે. ડ્રગ્ઝ પ્રકરણમાં એક મહિનો જેલની હવા ખાધા પછી સાંતાક્રુઝની સોસાયટીએ એને દરવાજાે દેખાડ્યો છે. સોસાયટીએ એને સમયસર ઘર ખાલી કરવા નોટિસ બજાવી છે. તેથી હવે એ નવું ઘર શોધી રહી છે.
રિયા સાથે એના પિતા ઈન્દ્રજીત અને માતા સંધ્યા પણ ઘર શોધવા મંડી પડ્યા છે. અભિનેત્રી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી જાહેર થયેલા બોલીવૂડ ડ્રગ્ઝ પ્રકરણમાં રિયાની સંડોવણી પ્રકાશમાં આવી હતી. એ પછી સાંતાક્રુઝની સોસાયટીએ એને ઘર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. એનસીબીએ ૮ સપ્ટેમ્બરે રિયાની ધરપકડ કરી હતી.
એ જ્યાં રહે છે તે પરિસરમાં મીડિયા અને અન્ય લોકોની થતી ગિરદીને કારણે સોસાયટીના લોકો હેરાન થઈ રહ્યા છે. એ જેલમાં હતી તે સમયે એક મહિનો સોસાયટીએ આ ત્રાસ સહન કરવો પડ્યો નહોતો. પણ હવે જેલમાંથી છૂટી જવાથી ફરી રિયા પર સોસાયટીએ દબાણ કર્યું છે.