રિયા તેમજ શોવિક ચક્રવર્તી મુંબઈમાં ઘર શોધી રહ્યા છે
મુંબઈ: કોરોના મહામારીના કારણે ૨૦૨૦નું વર્ષ દુનિયાભરના લોકો માટે મુશ્કેલ રહ્યું. જાે કે, એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર માટે જૂન પછીનો સમય કપરાં ચઢાણ સમાન રહ્યો હતો. હવે એવું લાગી રહ્યું છે કે ચક્રવર્તી પરિવાર નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યો છે.
રવિવારે બપોરે રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જાેવા મળ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, રિયા અને તેનો ભાઈ નવું ઘર શોધી રહ્યા છે. થોડા દિવસ પહેલા રિયાના માતાપિતા ઘરની શોધમાં મુંબઈમાં ફરતા જાેવા મળ્યા હતા ત્યારે આજે ભાઈ-બહેન એક બિલ્ડિંગમાં જતા અને બહાર આવતા ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થયા હતા.
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં જામીન મળ્યા પછી પહેલીવાર રિયા અને તેનો ભાઈ શોવિક જાહેરમાં સાથે દેખાયા હતા. તસવીરોમાં જાેઈ શકાય છે કે રિયાએ પિંક રંગનું ટી-શર્ટ પહેર્યું છે અને તેના પર ‘લવ ઈઝ પાવર’ લખેલું છે. પિંક ટી-શર્ટ સાથે બ્લેક પેન્ટ અને મલ્ટીકલર માસ્કમાં રિયા જાેવા મળી હતી. તો તેનો ભાઈ શોવિક વ્હાઈટ ટી-શર્ટ, જિન્સ અને બ્લેક જેકેટમાં જાેવા મળ્યો હતો. રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ મકાન જાેવા નીકળ્યા છે ત્યારે એક્ટ્રેસે મીડિયાના ફોટોગ્રાફર્સને તેમની પાછળ ન જવાનું કહ્યું હતું.
એક વિડીયો સામે આવ્યો છે જેમાં રિયા ચક્રવર્તી ફોટોગ્રાફર્સને કહે છે કે, ‘પ્લીઝ હવે અમને ફોલો ના કરશો. બિલ્ડિંગની બહાર નીકળતી વખતે પાપારાઝી રિયાને બોલાવે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. જાે કે, એવું લાગી રહ્યું છે કે મીડિયા અટેન્શનથી કંટાળેલી રિયા થોડો સમય તેનાથી દૂર રહેવા માગે છે. મહત્વનું છે કે, બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સામે આવેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની ધરપકડ કરી હતી.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં શોવિક ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી અને ૨ ડિસેમ્બરે તે જામીન પર મુક્ત થયો હતો. જ્યારે ૮ સપ્ટેમ્બરના રોજ રિયા ચક્રવર્તીની ધરપકડ થઈ હતી અને એક મહિના બાદ એટલે કે ૭ ઓક્ટોબરે તેને જામીન મળ્યા હતા. સુશાંત કેસમાં તપાસ કરી રહેલા પ્રવર્તન નિદેશાલાયને રિયા અને શોવિકની વોટ્સએપ ચેટ મળી હતી. જેમાં કથિત રીતે તેઓ ડ્રગ્સ ખરીદતા અને ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું.