Western Times News

Gujarati News

રિયા ૮ મહિના બાદ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થઈ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બોલિવુડના વિવિધ સેલિબ્રિટીઝ પોસ્ટ કરીને ફેન્સને શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. મહત્વનું છે કે, રિયા ચક્રવર્તી છેલ્લા ૬ મહિનાથી વધુ સમયથી સોશિયલ મીડિયા પરથી ગાયબ છે. રિયા ચક્રવર્તીએ ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મૂકી હતી. મહિનાઓ પછી રિયાએ ઈન્સ્ટાગ્રામ પર સશક્ત પોસ્ટ મૂકી છે. રિયાએ શેર કરેલી તસવીરમાં તેણે પોતાની મમ્મી સંધ્યા ચક્રવર્તીનો હાથ પકડીને રાખ્યો છે.

આ તસવીર શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “અમને વિમેન્સ ડેની શુભકામના મા અને હું હંમેશા સાથે રહીશું…મારી શક્તિ, મારો વિશ્વાસ, મારું મનોબળ, મારી મા? રિયાએ આ તસવીર શેર કરતાં જ રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન, શિબાની દાંડેકર સહિતના અન્ય સેલેબ્સ અને ફેન્સે હાર્ટના ઈમોજીસ સાથે કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું, “ઈન્સ્ટા પર ફરીથી સ્વાગત છે. બીજા એક યૂઝરે લખ્યું, “ઢગલો ખુશીઓ, શક્તિ અને પાવર મળે અન્ય એક યૂઝરે લખ્યું, “હું તારા માટે પ્રાર્થના કરીશ. સૌ સારું થશે રિયા. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરતાં રિયા ચક્રવર્તી ચર્ચામાં હતી. રિયા સહિત ૩૩ લોકોના નામ ચાર્જશીટમાં છે.

રિયાના બોયફ્રેન્ડ અને એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુની તપાસ દરમિયાન ડ્રગ્સનો મામલો બહાર આવ્યો હતો. ચાર્જશીટમાં રિયાનું નામ આવતાં તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું હતું, એનસીબીએ રિયા ચક્રવર્તીને જેમ તેમ કરીને આ કેસમાં ફસાવા માટે પ્રયાસ કર્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેના પિતાએ રિયા અને તેના પરિવાર સામે દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો તેમજ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો આરોપ મૂક્યો હતો.

આ કેસની તપાસ દરમિયાન જ ડ્રગ્સ એંગલ સામે આવતાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની ધરપકડ થઈ હતી. હાલ તેઓ જામીન પર મુક્ત છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મોતના અઠવાડિયા પહેલા જ રિયા તેને છોડીને પોતાના માતાપિતાના ઘરે રહેવા ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.