રિલાયન્સમાં વેચવાલી આવતા દિવસનો સુધારો ધોવાઈ ગયો
મુંબઈ, અમેરિકાથી સારા સમાચાર બાદ મુકેશ અંબાણી પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ૪૩મી વાર્ષિક સામાન્ય સભામાં મોટી જાહેરાતો કરશે તેવી સંભાવનાએ આઈટી અને રિલાયન્સની સાથે બેંકિંગ શેરોએ આગેવાની લેતા બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેક્સ ૭૫૦ પોઇન્ટ જેટલો ઉછળ્યો હતો જો કે સેશનના અંતે ઇન્ફ્રા, ફાઇનાન્સિયલ સ્ટોક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી વેચવાલીથી દિવસભરનો સુધારો ધોવાઇ ગયો હતો અને શેરબજાર નજીવી વૃદિ્ધ સાથે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ ૧૮.૭૫ પોઇન્ટ વધીને ૩૬૦૫૧ અને નિફ્ટી ૧૧ પોઇન્ટના સુધારામાં ૧૦૬૧૮ના મથાળે બંધ રહ્યા હતા.
બીએસઇના ૩૦માંથી ૧૭ અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સના ૫૦માંથી ૨૬ બ્લુચિપ શેર વધ્યા હતા. ભારતી એરટેલ સવા ૪ ટકા, રિલાયન્સ ૩.૭ ટકા, ઓએનજીસી, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, એશિયન પેઇન્ટ્સ જેવા શેર ૧થી દોઢ ટકા ઘટ્યા હતા. તો સામે ઇન્ફોસિસ ૬.૨ ટકા, એચસીએલ ટે ૪.૧ ટકા, ટીસીએસ ૨.૯ ટકા, ટેક મહિન્દ્રા ૨.૮ ટકા, એક્સિસ બેન્ક ૨.૧ ટકા, એચયુએલ ૧.૯ ટકા, બજાજઓટો ૧.૫ ટકા, આઇટીસી ૧.૩ ટકા સુધારે બંધ રહ્યા હતા. બીએસઇની માર્કેટકેપ રૂ. ૧,૪૨,૦૭,૬૦૧.૧૮ કરોડ રહી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૩મી એજીએમ હતી જેમાં કંપનીમાં ગુગલ દ્વારા જંગી મૂડીરોકાણ થવાની જાહેરાત થતા જ શેર ઝડપથી ઉછળીને રૂ. ૧૯૭૮.૫૦ની નવી વિક્રમી ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે સેશનના અંતિમ કલાકોમાં આ શેરમાં પ્રોફિટ બુકિંગ નીકળતા ભાવ ઉંચા સ્તરેથી ઘટ્યા હતા. તે રિલાયન્સનો શેર ૩.૭૧ ટકાના ઘટાડે રૂ. ૧૮૪૫.૬૦ના સ્તરે બંધ થયો હતો. આજે નીચામાં શેર રૂ. ૧૭૯૮ બોલાયો હતો. કંપનીની માર્કેટકેપ ૧૧,૭૦,૦૦૦.૪૯ કરોડ રૂપિયા રહી હતી.
બજારમાં આવેલા પ્રોફિટ બુકિંગથી સ્મોલકેપ અને મીડકેપ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં મીડકેપ ઇન્ડેક્સ ૪૬ પોઇન્ટ ઘટી ૧૩,૨૩૦ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૬ પોઇન્ટના ઘટાડે ૧૨,૬૫૮ના સ્તરે બંધ હતો. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીયે તો સૌથી વધુ એનર્જી ઇન્ડેક્સ સવા ૩ ટકા, ટેલિકોમ ઇન્ડેક્સ ૩.૬ ટકા, ઓઇલ-ગેસ ઇન્ડેક્સ ૨.૩ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૧ ટકા તૂટ્યા હતા. તો આઇટી અને ટેક ઇન્ડેક્સ અનુક્રમે ૪.૯ ટકા અને ૩.૧ ટકા સૌથી વધુ વધ્યા હતા.