રિલાયન્સ જિયો ટાવર્સ તોડવાની વિરુદ્ધ કોર્ટ પહોંચી

પ્રતિકાત્મક
ચંડીગઢ, કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનો દરમિયાન પંજાબથી રિલાયન્સ જિયોના મોબાઇલ ટાવરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. રિલાયન્સે જિયો ટાવર સાથે થઈ રહેલી તોડફોડને લઈને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે.
રિલાયન્સે આ મામલામાં સરકારી અધિકારીઓના હસ્તક્ષેપની માંગ કરી છે જેથી જિયોની સેવા અડચણ વગર ચાલી શકે. રિલાયન્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પંજાબમાં જિયોના ટાવરને ઉપદ્રવીઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ટાવર તોડીને જિયોના કામમાં નુકસાન અને અડચણ પણ ઊભી કરવામાં આવી રહી છે.
સાથોસાથ રિલાયન્સે પોતાના પ્રતિદ્વંદીઓને નિશાન પર લેતા કહ્યું કે કેટલીક કંપનીઓ ટાવરમાં તોડફોડ અને નુકસાન પહોંચાડવા માટે ઉપદ્રવીઓને જાણી જાેઈને ઉશ્કેરી રહી છે. તેના કારણે અમારે ત્યાં કામ કરનારા હજારો કર્મચારીઓનું જીવન ખતરામાં પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન દરમિયાન પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જિયોના લગભગ ૧૫૦૦ ટાવરોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર પંજાબના અલગ અલગ વિસ્તારોથી જિયોના ટાવરો પર ખેડૂત આંદોલનના ઝંડા લગાવ્યા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ હતી. કંપનીએ કહ્યું છે કે જાે હાલ ઉપદ્રવીઓને રોકવામાં ન આવ્યા તો કંપનીના કર્મચારીઓ અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રાજ્યમાં ખતરો હોઈ શકે છે. હાઈકોર્ટને અપીલ કરવામાં આવી છે કે બંને રાજ્યોની સરકારોને આદેશ આપવામાં આવે કે ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન પહોંચાડનારા ઉપદ્રવી તત્વો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.