રિલાયન્સ પ્લાસ્ટિકના કચરામાંથી વાજબી કિંમતના કપડાનું ઉત્પાદન કરશે
અમદાવાદ: ઇન્ટિગ્રેટેડ પોલીમર યાર્ન અને ફાઇબર ઉત્પાદક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ પર્યાવરણને અનુકૂળ તથા વાજબી કિંમત ધરાવતાં વસ્ત્રોનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. કંપનીએ ભારતીય પર્ફોર્મન્સ વેર બ્રાન્ડ અલ્સિસ સ્પોર્ટ્સ અને ડિઝાઇનર નરેન્દ્ર કુમારે આર| એલન ફાઇબરનો ઉપયોગ કરીને સસ્ટેઇનેબલ જિમ અને વર્કવેર માટે ‘અલ્સિસ એક્સ નારી’ કલેક્શન લોંચ કરવા જોડાણ કર્યું છે. RIL દર વર્ષે 2 અબજથી વધારે પોસ્ટ-કન્ઝ્યુમર (ઉપયોગ થયેલી) પેટ બોટલનું પ્રોસેસિંગ કરે છે અને બે વર્ષમાં એને 6 અબજ સુધી લઈ જવાની યોજના ધરાવે છે.
છેલ્લાં બે દાયકાથી કંપની ઉપયોગ થયેલી પેટ બોટલ્સનું કલેક્શન કરીને પર્યાવરણને અનુકૂળ રીતે ફાઇબરનું રિસાઇકલિંગ કરે છે. ઉપયોગ થયેલી પેટ બોટલનો ઉપયોગ ગ્રે ફાઇબરનું ઉત્પાદન કરવા માટે થાય છે, જેનું વેચાણ રેક્રોન®ગ્રીનગોલ્ડ બ્રાન્ડ તરીકે થાય છે.
રિલાયન્સનાં પેટ્રોકેમિકલ્સ ડિવિઝનનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર વિપુલ શાહે કહ્યું હતું કે, અમારાં માટે સસ્ટેઇનેબિલિટી એ ફેશનેબલ શબ્દ નથી, પણ અમે પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓમાંથી ફેશન ઊભી કરીએ છીએ અને આ જ અમારાં માટે સસ્ટેઇનેબલ બિઝનેસ છે. હવે અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીથી પર થઈને સસ્ટેઇનેબિલિટીનો વિચાર કરીએ છીએ.