રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં 1,000 બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરશે
આ સુવિધા જામનગર, ખંભાળિયા, દ્વારકા અને પોરબંદર સહિતના સૌરાષ્ટ્રની જરૂરીયાત પૂરી કરશે -તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પ્રદાન કરવામાં આવશે -400 બેડની સુવિધા એક સપ્તાહમાં ચાલુ થઈ જશે
રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1,000 બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરશે. નાગરિકોને તમામ સેવાઓ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે અને તેના પરિચાલનનો સંપૂર્ણ ખર્ચ રિલાયન્સ દ્વારા ભોગવવામાં આવશે. આગામી એક સપ્તાહમાં જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં 400 બેડની કોવિડ કેર સુવિધા શરૂ થઈ જશે. ત્યારબાદ, 600 બેડની અન્ય સુવિધા જામનગરમાં અન્ય જગ્યાએ બે સપ્તાહમાં શરૂ કરી દેવામાં આવશે.
આ સુવિધા માટે જરૂરી માનવસંસાધન, મેડિકલ સપોર્ટ, સાધનો અને અન્ય ડિસ્પોસેબલ આઇટમ રિલાયન્સ દ્વારા પૂરા પાડવામાં આવશે. હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે. આ હોસ્પિટલ જામનગર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્રના અન્ય પ્રદેશોના લોકો માટે ખૂબ જ રાહત પૂરી પાડશે.
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારત કોવિડના કારણે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે અમે અમારાથી બનતી રીતે મદદ કરવા માટે પ્રતિબધ્ધ છીએ. હાલના સંજોગોમાં વધારાની આરોગ્યસંભાળ સુવિધાઓ સૌથી મહત્વપૂર્ણ બાબત જરૂરીયાત છે.
રિલાયન્સ ફાઉન્ડેશન જામનગર, ગુજરાતમાં માટે ઓક્સિજન સાથેની 1000 બેડની હોસ્પિટલ તૈયાર કરી રહ્યું છે. 400 બેડ સાથેનો પહેલો તબક્કો એક સપ્તાહ તૈયાર થઈ જશે, જ્યારે બાકીના 600 બેડ માટે વધુ એક સપ્તાહ લાગશે. આ હોસ્પિટલ ગુણવત્તાસભર સંભાળ નિઃશુલ્ક રીતે પૂરી પાડશે. આ રોગચાળાના પ્રારંભથી જ રિલાયન્સ ફાઉન્ડેશન ભારતીયો સાથે ખભે ખભો મિલાવીને ઊભું છે. મૂલ્યવાન જીવન બચાવવા માટે અથાગ કાર્ય કરવાનું અમે ચાલુ રાખીશું. સાથે મળીને આપણે આ લડાઇ જીતી શકીશું અને જીતીશું.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ કોવિડ રોગચાળા દરમિયાન ભારતના લોકો માટે અથાગ રીતે કાર્ય કરી રહ્યા છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ કપરા કાળ દરમિયાન ગુજરાતના લોકો માટે કોવિડ કેર સુવિધાઓ સ્થાપવા માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે.
રિલાયન્સના સી.એમ.ડી. શ્રી મૂકેશ અંબાણી ગુજરાતના કોવિડના દર્દીઓ માટે કોવિડ કેર સુવિધા પૂરી પાડવા માટે આગળ આવ્યા છે. અમારા સી.એમ.ડી.ના નેતૃત્વમાં રિલાયન્સની ટીમ શક્ય તેટલા ટૂંકા સમયગાળામાં આ બે કોવિડ કેર સુવિધાઓ ઊભી કરવા માટે કામ કરી રહી છે.”
રિલાયન્સ કોઇપણ મોટી આફતમાં હંમેશા મદદ પૂરી પાડતી આવી છે અને છેલ્લાં એક વર્ષથી જ્યારે ભારતમાં કોવિડ-19 રોગચાળો ફાટી નિકળ્યો છે ત્યારે રિલાયન્સ ગુજરાત અને દેશના લોકોને મદદ કરવા માટે અનેક મોરચાઓ પર અથાગ રીતે કામ કરી રહી છે. રિલાયન્સ ગુજરાત અને અન્ય કેટલાક રાજ્યોને ઓક્સિજન પૂરો પાડી રહી છે.
રિલાયન્સ મુંબઈમાં નિઃશુલ્ક રીતે કોવિડ સંભાળ પૂરી પાડી રહી છે, જ્યાં 875 કોવિડ બેડની સુવિધાનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જામનગર અને મુંબઈમાં મળીને રિલાયન્સ 1,875 બેડની કોવિડ સંભાળ સુવિધા ઊભી કરશે અને તેનું સંચાલન કરશે.