રિવરફ્રંટ પર મોડી રાત્રે લૂંટનો બનાવ
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટ કરતી ટોળકીનો આંતક ખૂબજ વધી ગયો છે જેના પરિણામે હવે નાગરિકો અસલામતીની લાગતી અનુભવી રહયા છે. શહેરમાં નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહયા છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના દાવા વચ્ચે પણ ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે એટલું જ નહી પરંતુ હવે રસ્તા પર પસાર થતાં નાગરિકોને ખુલ્લેઆમ લૂંટી લેવામાં આવી રહયા છે.
શહેરના રિવરફ્રંટ રોડ પર જમાલપુર ફુલબજાર પાસે ગઈકાલે મોડી રાત્રે લુંટારુઓ ત્રાટક્યા હતા અને રિવરફ્રંટ પરથી પસાર થતા નાગરિકને ધાકધમકી આપી લૂંટી લેતા સનસનાટી મચી ગઈ છે ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.
વાહનચાલકો માટે રિવરફ્રંટનો રસ્તો ખૂબજ સરળ અને ઓછા સમયમાં નિયત સ્થળે પહોચી જવાતુ હોવાથી છેલ્લા કેટલાક સમયથી મોડી રાત સુધી આ રસ્તો ધમધમતો હોય છે રિવરફ્રંટ પર વધતી જતી અસામાજિક પ્રવૃતિના કારણે પોલીસતંત્ર એલર્ટ છે અને રિવરફ્રંટ માટે ખાસ અલાયદા બે પોલીસ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત રિવરફ્રંટ પર ઠેરઠેર સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.
તેમ છતાં રિવરફ્રંટ પર ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે ખાસ કરીને રિવરફ્રંટ પર આવતા યુગલોને ધાકધમકી આપીને લુંટી લેવામાં આવતા હોય છે આવી ઘટનાઓના પગલે ખાનગી સિકયુરિટીને પણ તૈનાત કરવામાં આવેલી છે. આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે રાત્રે રિવરફ્રંટ પર લુંટનો બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ફુલબજાર પાસે રિવરફ્રંટ પર આ લૂંટનો બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહયું છે. જમાલપુરથી એલીસબ્રીજ રિવરફ્રંટ જવાના રસ્તા પર આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે મોડી રાત્રે ૧ર વાગ્યા બાદ રિવરફ્રંટ પર પોલીસ સતત વોચમાં હોય છે તેમ છતાં લુંટનો બનાવ બન્યો હોવાનું ચર્ચાઈ રહયું છે.
ઘટનાની જાણ થતાં પોલીસની ગાડીઓ પણ સ્થળ પર આવી પહોંચી હતી આ અંગે હવેલી પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા લુંટનો કોઈ બનાવ નોંધાયો નથી. જયારે સાબરમતી રિવરફ્રંટ ઈસ્ટમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડીઓ રિવરફ્રટ પર જાવા મળતા જ નાગરિકો પણ કુતુહલવશ દોડી આવ્યા હતા જાકે આ ઘટનામાં સાચી હકીકત હવે પછી બહાર આવશે તેવુ જણાવાઈ રહયું છે પ્રાથમિક તપાસમાં લુંટારુઓ રીક્ષામાં આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે.