રિવરફ્રન્ટ ખાતે સરસ મેળો-૨૦૨૧: ગુજરાતના તમામ જિલ્લાના ૧૨૦ જેટલા સ્ટોલ રજૂ થયા
સમાજની માંગને અનુલક્ષીને ઉત્પાદન તથા વેચાણ કરી મહિલાઓને રોજગારીની યાત્રામાં સહભાગી બનાવી છે -કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી આર.સી.ફળદુ
સરસ મેળો આત્મનિર્ભર ભારત અભિયાન માટેનું બળ પૂરું પાડશે – શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ગ્રામ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામિણ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત સરસ મેળો-૨૦૨૧ નો કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી આર.સી.ફળદુ એ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલાં મેળાને ખુલ્લો મુકતાં કૃષિમંત્રીશ્રી કહ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં કોઇ પાછળ જ રહી જાય તે માટે રાજ્યમાં સ્વ- સહાય જૂથની મહિલાઓને તેમના હુન્નર અને બાવડાના બળે આજીવિકાના ક્ષેત્રમાં આગળ વધે તે માટે આવા મેળા દ્વારા પ્લેટફોર્મ મળે છે. આવા મેળામાં પોતાનું ઉત્પાદન વેચીને રોજગાર મેળવી આવી મહિલાઓ સ્વનિર્ભર બની પોતાના ઘર માટે પણ ટેકારૂપ બની રહી છે.
સમાજની માંગને જાણી- સમાજીને રોજગારીની યાત્રામાં જોડવાં માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં ૨.૪૪ લાખ સ્વ- સહાય જૂથની મહિલાઓને જોડી છે. બેન્કો દ્વારા પણ તેમને સરળતાથી લોન સહાય મળે તે માટે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે તેનો રાજ્યની એક લાખ મહિલાઓએ લાભ મેળવ્યો છે.
કોરોનાના સંક્રમણકાળમાં સ્વ- સહાય જૂથની મહિલાઓએ ૮૦ હજાર માસ્કનું વિતરણ કરી રાષ્ટ્રના સંકટ સમયે પોતાની આગવી ભૂમિકા ભજવી છે. સ્વ- સહાય જૂથની મહિલાઓએ જે વસ્તુઓ ઉત્પાદિત કરે છે તેનું વેચાણ પણ દેશમાં જ થાય તે માટે મોટા પ્રમાણમાં શહેરીજનો તેમની ચીજોની ખરીદી કરે તે માટે તેમણે અપીલ કરી હતી.
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,સરસ મેળાનું સરસ આયોજન બતાવે છે કે હવે આપણે ધીમે-ધીમે કોરોનામાંથી બહાર આવી રહ્યા છીએ.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે જે અભિયાન ચલાવ્યું છે જેમાં આવાં મેળાના આયોજનથી ઉત્તેજન મળશે. આઝાદીના ૭૦ વર્ષ પછી દિવાળીનો દિપક જો વિદેશથી આયાત કરવો પડે તેવી સ્થિતિને હવે આત્મનિર્ભર ભારત દ્વારા બદલવી છે. હવે દેશમાં જ તેનું ઉત્પાદન કરી ખરા અર્થમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની મહત્વતા તેમણે વર્ણવી હતી.
તેમણે મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત ઉત્પાદન પણ દેશમાં થાય અને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો વેચાણ પણ ભારતમાં થાય તેવી વ્યવસ્થા દેશમાં વડાપ્રધાનશ્રીના નેત્વૃત્વમાં ઉભી થઇ રહી છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે ખાખરા, પાપડ જેવી રોજિંદી જરૂરિયાતો તેમજ ટેબલ ક્લોથ, આર્ટ પીસ જેવી પ્રસંગોપાત જરૂરિયાતોનું ઉત્પાદન કરીને સ્વ- સહાય જૂથની મહિલાઓ આર્થિક રીતે સતત આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓની સમજ આપી હતી.
ગ્રામ વિકાસના અધિક કમિશનર ભાર્ગવી બેન દવેએ કહ્યું કે, ગુજરાતની મહિલાઓ બ્લોક પ્રિન્ટીંગ, ભરતકામ મોતીકામ વગેરેમાં કલા- કસબ ભરાવે છે તેમની આ કલાને પ્રદર્શનની તક આ મેળાથી મળશે.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી કે.સી. સંપતે સરળ મેળાની રૂપરેખા આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાં માટે આ મેળો ઉપયોગી બની રહેશે. સ્વ સહાય જૂથના કલા- કસબીઓને તેમની કલાને પ્રદર્શિત કરવા માટે આ મેળો પ્લેટફોર્મ રૂપ બની રહેશે.
મંત્રીશ્રીઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ કલા- કસબીઓની કલા વિશેની જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, તા. ૦૫ થી ૧૪ માર્ચ સુધી યોજાનાર આ ‘સરસ મેળો-૨૦૨૧’ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો આ સરસ મેળાનો હિસ્સો બનશે અને તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજવસ્તુઓ મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ પ્રાદેશિક ‘સરસ મેળા’માં દેશના વિવિધ રાજ્યોના ૩૦ થી વધુ સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાના ૧૨૦ જેટલા સ્ટોલ રજૂ થયા છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તિસગઢ, તેલંગાણા,રાજસ્થાન, મેઘાલય,મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશઅને કેરળ સહિતના રાજ્યો ભાગ લઇ રહ્યા છે.
સરસ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ, વિવિધ વિસ્તારોમાંથી પધારેલા કલા- કસબીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.