રિશભ પંતના પ્રદર્શનથી ખુબ ખુશ છું – રવિ શાસ્ત્રી
અમદાવાદ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર બેટ્સમેન રિશભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પંતની પ્રશંસા કરતા કહ્યું છે કે છેલ્લા બે મહિનામાં તેણે જે પ્રદર્શન કર્યું છે તે કોઈ તેની આખી કારકિર્દીમાં પણ કરી શકે તેમ નથી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં રિશભ પંતે સદી ફટકારી હતી અને ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ ટેસ્ટ એક ઈનિંગ્સ અને ૨૫ રને જીતવાની સાથે જ ચાર ટેસ્ટની સિરીઝ ૩-૧થી જીતી લીધી હતી.
આ ઉપરાંત ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. રિશભ પંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને બાદમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં એક સદી અને બે અડધી સદી ફટકારી હતી. વિકેટ પાછળ તેના પ્રદર્શનમાં પણ સુધારો જાેવા મળ્યો હતો.