રિશી કપૂરને યાદ કરીને નીતૂ સિંહે કહ્યું, ‘મોટુ ઘર ખુશીઓ નથી આપતુ…’
મુંબઈ: નીતૂ કપૂરે પતિ રિશી કપૂરને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી હતી. ૬૭ વર્ષીય રિશી કપૂરનું ૩૦ એપ્રિલના રોજ અવસાન થયું હતું. નીતૂ કપૂર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે તે અવાર નવાર તેમની અને તેમનાં પરિવારજનોની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહેતી હોય છે. હાલમાં જ નીતૂ કપૂરે રિશિ કપૂરને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આપને જણાવી દઈએ કે, નીતૂ કપૂર પતિ રિશી કપૂરનાં જવાથી દુઃખી છે. તેઓ અવારનવાર રિશી કપૂરની યાદમાં કંઈને કંઈ પોસ્ટ કરે છે.
નીતૂએ પતિ સાથેની એક તસવીર શેર કરી હતી. તસવીર સાથે નીતૂએ કેપ્શનમાં લખ્યુ હતું કે, ‘નાની હોય કે મોટી, દરેક મનમાં પોત-પોતાની લડાઈ લડતા હોઈએ છીએ. તમારી પાસે સુખ-સુવિધાથી ભરપૂર એક મોટું ઘર હોય તેમ છતાંય તમે દુઃખી હોઈ શકો છો તો બીજી બાજુ કંઈ જ ના હોય છતાંય તમે સૌથી વધુ ખુશ રહી શકો છો. આ બધું આપણાં મનમાં જ રહેલું છે. તમામને એક મજબૂત મનની જરૂર છે અને આવતીકાલ સારી હોય તેવી આશાની.. આભાર..
આશા સાથે જીવો. મહેનત કરો.. તમારા લોકોની કદર કરો, તે જ તમારી સૌથી મોટી સંપત્તિ છે.’
નીતૂ સિંહની આ પોસ્ટ પર દીકરી રિદ્ધીમાએ કમેન્ટ કરી હતૂ તેણે કહ્યું હતું, બહુ જ સુંદર મા… નોંધનીય છે કે રિશી કપૂરના અવસાનના બે દિવસ બાદ રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ આવી હતી. લોકડાઉનને કારણે રિદ્ધિમા પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શકી નહોતી. હાલમાં રિદ્ધિમા માતા નીતૂ સિંહ સાથે મુંબઈમાં જ રહે છે.