રિષભ પંત ૨૩ વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેન
ચેન્નઈ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે તેના જ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં મોટી ઈનિંગ્સ રમનાર રિષભ પંત ઈંગ્લેન્ડ સામે પોતાની ધરતી પર પણ સારી બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં તેણે ૭ ફોર અને ૩ સિક્સની મદદથી ૭૭ બોલમાં ૫૮ રનની ઈનિંગ્સ રમી. રિષભ શાનદાર લયમાં હતો અને આ ઈનિંગ્સમાં ફટકારેલી ત્રણ સિક્સની મદદથી તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
રિષભ પંત આ સમયે ૨૩ વર્ષનો છે. આ ઉંમરમાં તેની પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ટીમ સાઉથીના નામે હતો. ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં ૩ સિક્સર ફટકારતાંની સાથે જ તેણે સાઉથીને પાછળ મૂકીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. ૨૩ વર્ષની ઉંમરમાં રિષભ પંતે પોતાની ૩૧મી સિક્સ ફટકારી. આ ઉંમરે ૩૦ સિક્સ ફટકારવાના સાઉથીના રેકોર્ડને તોડ્યો. આ પહેલાં ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં ૨૯ સિક્સ ફટકારી હતી.
૨૩ વર્ષની ઉંમરમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર ટેસ્ટ બેટ્સમેનઃ રિષભ પંત – ૩૧ સિક્સ ટીમ સાઉથી – ૩૦ સિક્સ કપિલ દેવ – ૨૯ સિક્સ ક્રેગ મેકમિલન – ૨૮ સિક્સ શિમરોન હેટમાયર – ૨૭ સિક્સ ટેસ્ટ ક્રિકેટની ૩૦ ઈનિંગ્સમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનો જાેઇએ તો રિષભ પંતે અત્યાર સુધી ૧૮ ટેસ્ટ મેચની ૩૦ ઈનિંગ્સમાં ૧૨૪૮ રન બનાવ્યા છે. અને ટેસ્ટ ક્રિકેટની પહેલી ૩૦ ઈનિંગ્સમાં સૌથી વધારે રન બનવાનાર બેટ્સમેનમાં તે ત્રીજા નંબરે આવી ગયો છે. આ આંકડો તે બેટ્સમેનનો છે જેમણે ટેસ્ટમાં પાંચમા કે પછી તેના નીચેના ક્રમે બેટિંગ કરી હોય.