રિસોર્ટના કર્મચારીઓએ મહિલાનો વીડિયો ઉતાર્યો
અમદાવાદ: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા ડોક્ટરો તેમના મિત્રો સાથે રિસોર્ટમાં ફરવા માટે ગયા હતા. આ દરમિયાન રિસોર્ટમાં કામ કરતાં કર્મચારીઓએ તેમની તસવીરો અને વીડિયો ઉતારી લીધા હતા. આ અંગેની જાણ મહિલા ડોક્ટરોને થતાં તેમણે ૧૮૧ની મદદ માગી હતી. અભયમની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને રિસોર્ટના કર્મચારીઓને કાયદાકીય માહિતી આપી ફોટો તેમજ વીડિયો ડિલીટ કરાવ્યા હતા. બાદમાં રિસોર્ટના કર્મચારીઓને પોતાની ભૂલ સમજાતા ભવિષ્યમાં આવું નહીં કરે તેની બાંહેધરી પણ આપી હતી. સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટરો તેમના મિત્રો સાથે સાણંદ નજીક આવેલા રિસોર્ટમાં બે દિવસ પહેલા ફરવા ગયા હતા.
જ્યાં રિસોર્ટના સિક્યુરિટી, કેન્ટિન અને ગાર્ડનમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓએ તેમના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી લીધા હતા. મહિલા ડોક્ટરોએ જ્યારે પૂછપરછ કરી ત્યારે ત્રણેયે આવું કંઈ પણ ન કર્યું હોવાનું કહ્યું હતું. તેથી, ડોક્ટરોએ આ મામલે હેલ્પલાઈનની મદદ લીધી હતી. અભયમની ટીમે જ્યારે ડોક્ટરોની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે,
‘અમે સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ડ્યૂટી બજાવી રહ્યા છીએ અને હાલમાં એમડીની પરીક્ષાની તૈયારી કરવાની હોવાથી ફ્રેશ થવા માટે આ રિસોર્ટમાં આવ્યા છીએ. ગ્રુપના એક ડોક્ટર અવાર-નવાર અહીંયા આવતા હોવાથી તેમણે એક ઘર પણ ખરીદી લીધું છે. બે દિવસથી અહીંયા ગ્રુપ સાથે રોકાયા છીએ. અમે જ્યારે ગાર્ડનમાં ફરતા હતા અને ગેમ રમતા હતા ત્યારે રિસોર્ટની કેન્ટિન, ગાર્ડન અને સિક્યુરિટીમાં કરતાં કર્મચારીઓએ અમારા વીડિયો તેમના મોબાઈલમાં ઉતારી લીધા હતા.
આટલી માહિતી બાદ ૧૮૧ની ટીમે તમામને બોલાવીને મોબાઈલ માગ્યો હતો. ત્રણેયે શરુઆતમાં મોબાઈલ આપવાની ના પાડી હતો. જાે કે, બાદમાં કડક રીતે કહેતા મોબાઈલ આપી દીધો હતો અને તેમાંથી માત્ર ડોક્ટરો જ નહીં પરંતુ રિસોર્ટમાં આવેલા અન્ય લોકોના પણ ફોટો અને વીડિયો મળી આવ્યા હતા. અભયમની ટીમે તેમને કોઈની પરવાની વગર ફોટો કે વીડિયો લેવા તે ગુનો છે તેવું કાયદાકીય જ્ઞાન આપ્યું હતું. તેથી, ત્રણેય કર્મચારીઓએ ભવિષ્યમાં આવું નહીં કરવાનું બાંહેધરી આપીને વીડિયો-ફોટો ડિલીટ કર્યા હતા.