રીક્ષાચાલક અને તેની પત્નીનું અપહરણ કરી છરીના ઘા માર્યાઃ યુવક ગંભીર
વિકટોરીયા ગાર્ડન પાસે બનેલો બનાવઃ પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મુખ્ય
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં હાલમાં ગુંંડારાજ પ્રવર્તમાન હોય એવી સ્થિતિ છે. તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી, અપહરણ તથા ખંડણી જેવા બનાવો અમદાવાદ પોલીસના ચોપડે વારંવાર નોંધાઈ રહ્યા છે સામાન્ય બાબતોમાં ઉશ્કેરાઈને એકબીજા પર જીવલેણ હુમલો કરવા જેવી ઘટનાઓ પણ લગભગ રોજેરોજ બની રહી છે. આ સ્થિતિમાં ગઈકાલે હવેલી પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક અને તેની પત્નીનું અપહરણ કરીને તેને છરીઓ મારવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે બલ્લન બિસ્મ્બર હલવાઈ નામનો છવ્વીસ વર્ષીય યુવાન વટવામાં રહે છે. અને પોતાની માલિકીની ત્રણ રીક્ષાઓ ધરાવે છે. બલ્લન બિસ્મ્બર હલવાઈ પોતે પણ રીક્ષા ફેરવે છે. તથા અન્ય બે ભાડેથી આપીને પોતાનું ગુજરાન ચલાવે છે.
બે દિવસ અગાઉ રાતના નવ વાગ્યાના સુમારે ઘરેથી જમી પરવારીને પત્ની સ્વાતિ સાથે બલ્લનભાઈ ચક્કર મરવા નીકળ્યા હતા ત્યારે તેમના મિત્ર ઈમ્તિયાઝ (રહે.ગોમતીપુર)નો ફોન આવ્યો હતો. જેણે નારોલ પાસે પોતાની રીક્ષામાં પંચર પડ્યુ હોવાનું જણાવીને બલ્લભાઈને ત્યાં બોલાવ્યા હતા.
જેથી બલ્લનભાઈ પત્ની સ્વાતિ સાથે મિત્ર ઈમ્તિયાઝને મદદ કરવા માટે નારોલ પહોંચ્યા હતા. જ્યાં ઈમ્તિયાઝ મળી ન આવતા તેને ફોન કર્યો હતો ત્યારે ઈમ્તિયાઝે તેમને વિક્ટોરીયા ગાર્ડન નજીક બોલાવ્યો હતો. રાતના સુમારે બલ્લનભાઈ વિક્ટોરીયા ગાર્ડન પહોંચ્યા ત્યારે ઈમ્તિયાઝ રીતુ બટકી નામની મહિલા તથા અન્ય બે અજાણ્યા શખ્સો સાથે ઉભો હતો. ઈમ્તિયાઝે બલ્લનભાઈને તેમની રીક્ષા ચલાવતા કાલુ અંગે પૂછતા તેમણે કાલુ હવે તેમની રીક્ષા ચલાવતો ન હોવાનું તથા ઘણા સમયથી તેને જાય પણ ન હોવાનું જણાવ્યુ હતુ.
જેથી બલ્લનભાઈ કંઈ સમજે એ પહેલાં જ ચારેય જણા ભેગા થઈને બલ્લનભાઈને જબરજસ્તી રીક્ષામાં બેસાડીને કાલુપુરમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા અને તેમને ગડદાપાટુનો માર માર્યો બાદ તેમના હાથ ઉપર છરીના ઘા માર્યા હતા.
ઉપરાંત સળીયા અને અન્ય હથિયારો વડે તેમને ઢોર માર માર્યો બાદ તેમને કાલુપુર રેલ્વે સ્ટેશને છોડી દીધા હતા. જ્યાં ઘવાયેલી હાલતમાં બલ્લનભાઈ બેભાન થઈ ગયા હતા. જ્યારે આંખ ખુલી ત્યારે ઈમ્તિયાઝ તેમને લઈને એલ જી હોસ્પીટલે પહોંચ્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પ્રાથમિક સારવાર બાદ તેમણે પત્ની સ્વાતિને ફોન જાડતાં ઈમ્તિયાઝના સાગરીતો સ્વાતિને અન્ય રીક્ષામાં જબરજસ્તીથી ઉપાડીને સીટીએમ ચારરસ્તા ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમને રખડતી હાલતમાં છોડી મુક્તા સ્વાતિબેને પોલીસનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પોલીસ તેમને પણ એલ જી હોસ્પીટલમાં લઈ આવી હતી. જ્યાંથી બલ્લનભાઈએ ઈમ્તિયાઝ, રીતુ બટકી, ઉપરાંત તેના સાગરીતો વિરૂધ્ધ અપહરણ કરી માર મારવાની ફરીયાદ નોંધાવી છે.
પોલીસે ગઈકાલે મોડીરાત્રે ઈમ્તિયાઝની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઈમ્તિયાઝે કાલુ સાથે કઈ બાબતે ઝઘડો થયો અને અન્ય સાગરીતો કોણ હતા એ દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.