રીક્ષામાં બેઠેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ગાયબ
અમદાવાદ: રિક્ષામાં પેસેન્જર બેસાડીને નજર ચુકવી ચોરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો શહેરનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. મૂળ ચોટીલાનાં દક્ષાબા ઝાલા નામની મહિલા શહેરનાં નંદીપાર્કથી એસટીબસસ્ટેન્ડ જવા માટે એક રિક્ષામાં બેઢી હતી. જોકે, આ રીક્ષામાં અન્ય ત્રણ યુવાનો પણ બેઠેલા હતાં.
પેસેન્જર વધી જતાં એક યુવાન ડ્રાઇવરની બાજુમાં બેસી ગયો હતો જ્યારે મહિલાને પાછળની સીટમાં બેસાડી હતી. જોકે, થોડેક આગળ જઇને રિક્ષાચાલકે તેની બાજુમાં બે યુવાનને પાછળની સીટમાં બેસાડી દીધા હતા. જ્યારે તેઓ નરોડા રોડ પર આવેલા એસઆરપી કેમ્પ પાસે પહોચ્યા ત્યારે આગળ પોલીસ છે તેમ કહીને રિક્ષાચાલકે મહીલાને રસ્તા પર જ ઉતારી દીધી હતી. ત્યાંથી તેઓ પલાયન થઇ ગયા હતાં. જોકે, રીક્ષાચાલક નીકળી ગયા બાદ મહિલાએ જોતા તેની સોનાની ચેઇન ગાયબ હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.