રીઢા ગુનેગાર ઉમેશ ખટીકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
અમદાવાદ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ૪૭ ગુનાઓ આચરનાર રીઢો ગુનેગાર ઉમેશ ખટીકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે અને નારોલ પોલીસના હવાલે કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ઉમેશ ખટીક થોડા દિવસો પહેલા નારોલ પોલીસના હાથે પકડાયો હતો. જાે કે, ચાલાક ઉમેશ પોલીસની જાપ્તામાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે, ઉમેશ ચોરીના એક્ટિવા પર લખુડી તળાવ તરફ આવી રહ્યો છે, ત્યારે ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉમેશ ખટીકને ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ઉમેશે અમદાવાદ, સુરત, બેંગ્લોરમાં મળીને કુલ ૪૭ ગુના આચર્યા હતા. ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીમાં તેની સારી ફાવટ હતી. અમદાવાદમાંથી પોલીસને હાથતાળી આપીને ભાગેલો ઉમેશ એક ચોરીના એક્ટિવા પર અમદાવાદ અને ગાંધીનગરમાં ફરતો હતો. જ્યારે પણ પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરે ત્યારે ચોરીનું એક્ટિવા કલોલ બસ સ્ટેશન પર મૂકીને બસમાં બેસીને રાજસ્થાન ભાગી જતો હતો.
નારોલ પોલીસના જાપ્તામાંથી ભાગેલો ઉમેશ ચોરીનું એક્ટિવા લઈને શહેરમાં ફરતો હતો. પોલીસની ભીંસ વધી જાય એટલે ચોરેલુ એક્ટિવ બસ સ્ટેશન પર મૂકીને તે રાજસ્થાન ભાગી જતો. એટલું જ નહીં. પોતાના ઘરે પોલીસની વોચ હોવાથી તે અમદાવાદ અને ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં સૂઈ જતો અને ત્યાંજ નહાતો-ધોતો હતો.
ઉમેશની પૂછપરછમાં એવી વિગતો ખુલી છે કે, ઓગસ્ટ ૨૦૨૧માં જેલમાંથી છૂટયા પછી નારોલમાંથી એક્ટિવા ચોર્યું હતું. આ પછી આનંદનગર, સરખેજ, શાહીબાગ, આનંદનગર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો. પોલીસને પોતાની સક્રિયતાની જાણ થતાં ઉમેશ અમદાવાદ છોડીને બેંગ્લોર જતો રહ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે,વાહનચોરી અને ચેઈન સ્નેચિંગ કરી ચૂકેલા ઉમેશને અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશન પછી હૈદરાબાદ અને બેંગ્લોર પોલીસને સોંપવામાં આવશે.SSS