રીલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનોએ એન્ટી-ચાઈના સ્ટેન્ડ લીધો
અમદાવાદ: લદ્દાખમાં ગલવાન ધાટીમાં ચાલી રહેલા ભારત ચીન સીમા વિવાદ અને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર કરવાનો જુવાળ ફાટી નીકળ્યો છે. કરણી સેના દ્વારા ચાઈનીઝ ઉત્પાદનો અને એસેસરીઝ વેચવા માટે એક મહિનાનો સમય આપ્યા બાદ રિલીફ રોડ પરના મુર્તિમંત કોમ્પ્લેક્સ કે જે મોબાઇલ ફોન અને એસેસરીઝનું હરિદ્વાર માનવામાં આવે છે તેને ભારે મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે દુકાન માલિકોની બેઠક મળી હતી અને ચાઈનીઝ મોબાઇલ કંપનીઓના નામવાળા દુકાનના નામના બોર્ડ ઉતારવાનો નિર્ણય કર્યો હતો.
૨૪ જૂનના રોજ કરણી સેના અને તેના સભ્યો દ્વારા ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે રિલિફ રોડ પર આવેલા મુર્તિમંત કોમ્પ્લેક્સમાં વિરોધ કરવામાં આવ્યો હતો. કરણી સેનાના નેતા રાજ શેખાવતે દુકાન માલિકોને અલ્ટિમેટમ આપતી વખતે ધમકી આપી હતી કે જા કોમ્પ્લેક્સમાં વેચવામાં આવતા ચાઈનીઝ ફોન અને એસેસરીઝ એક મહિના પછી દેખાઈ તો કાર્યવાહી કરવામાં આવશે.
દુકાનના માલિકોએ જણાવ્યું હતું કે, કોમ્પ્લેક્સમાં વેચવામાં આવતા ૯૦ ટકા ફોન અને ૧૦૦ ટકા એસેસરીઝ ચાઈનીઝ છે. દુકાન માલિકો એસોસિએશનના પ્રમુખ મહાદેવ વાધવાણીએ જણાવ્યું હતું કે, ‘શનિવારે અમારી બેઠક મળી હતી, જેમાં ચાઈનીઝ સેલ્યુલર પ્રોડક્ટ્સ ધરાવતા દુકાનોના બધા નામ બોર્ડ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને અમે તમામ મોબાઈલ અને એસેસરીઝ એક મહિનામાં વેચીશું. છેવટે અમે પણ દેશભક્ત છીએ. અમે પ્રયાસ કરીશું અને ભારત અને અન્ય દેશના પ્રોડક્ટસ મેળવીશું.’
જાકે, એક દુકાનના માલિકે કહ્યું, કોમ્પ્લેક્સની ૧૪૦માંથી ૧૦૦ દુકાનો સારો વેપાર કરે છે. આ દરેક દુકાનમાં ઓછામાં ઓછા પાંચ કર્મચારી કામ કરે છે. દુકાનના માલિક અને તેમાં કામ કરતા કર્મચારીઓને કોણ ખવડાવશે ? તેવું પણ દુકાનના માલિકે જણાવ્યું હતું.
ચીનની સહાયથી બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કરણી સેના કેમ વિરોધ નથી કરી રહી ? તેવો સવાલ પૂછતાં શેખાવતે કહ્યું, ‘હું ભૂતકાળમાં નથી જતો. તે એક પ્રતિમા છે જેણે હવે ભારતનું નામ રોશન કર્યું છે. ચીન સાથેના સંબંધો તે સમયે ત્રાસદાયક નહોતા. પરંતુ હું ચીન સાથે ભવિષ્યના કોઈપણ વ્યવસાય જોડાણને મંજૂરી નહીં આપીશ.’