રીલીફ રોડ ફાયરીંગની ઘટના: કારંજ પોલીસે સામસામે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધ્યો

મુખ્ય હુમલાખોર ઘાયલઃ તેનાં ત્રણ સાગરીતો પકડાયા
(પ્રતિનિધિ)અમદાવાદ, રીલીફ રોડ ઉપર થયેલાં ફાયરીંગ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં સામસામે હત્યાનાં પ્રયાસની ફરીયાદ નોંધાઈ છે. આ મામલે મયુ ઉપરાંત તેની ઉપર હુમલો કરવા આવેલાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગોળીબારમાં એક શખ્સ ઘાયલ થતાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરનાં ભરચક વિસ્તાર રીલીફ રોડ પર આવેલી એક ગલીમાં રહેતાં મોઈન મેમણ ઉર્ફે મયુ ઉપર જુહાપુરાનો રહેવાસી ઈલ્યાસ જેનુલા આબેદીન સૈયદ તેનાં ત્રણ સાગરીતો સલમાન ગુલજારખાન પઠાણ (રહે.ચંડોળા), અયાજ ઊસ્માન શેખ (ફતેવાડી) તથા રીયાઝ રફીક શેખ (અંબર ટાવર નજીક, જુહાપુરા)એ હુમલો કર્યાે હતો. જેમાં સામસામે ફાયરીંગ બાદ ઈલ્યાસ તેમાં સાગરીતો સાથે ભાગી ગયો હતો.
આ ઘટના બાદ કારંજ પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં મોઈન ઉર્ફે મયુની ફરીયાદનાં આધારે ઈલ્યાસ અને તેનાં સાગરીતો વિરુદ્ધ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જેનાં આધારે સલમાન, અયાજ તથા રીયાજને ઝડપી લીધા હતા.
મોઈને કરેલાં ગોળીબારમાં ઈલ્યાસનાં ખભે ગોળી વાગતાં તે હાલમાં જીવરાજ મહેતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની પણ ફરીયાદ લઈ મોઈન સામે કાર્યવાહી કરી હતી. ઈલ્યાસ ઉપરાંત અયાજને પણ સામાન્ય ઈજા થઈ હતી.
ઘટના સ્થવ પરથી પોલીસે મોઈને ફાયરીંગ કરેલો એક રાઉન્ડ એક દુકાનનાં શટર આગળથી મળી આવ્યો છે. જ્યારે બીજાે ઈલ્યાસને વાગ્યો હતો. બીજી તરફ મોઈને કરેલાં આક્ષેપ અનુસાર ઈલ્યાસે કરેલાં ફાયરીંગનાં બે રાઉન્ડની શોધ ચાલી રહી છે.
ઉપરાંત હુમલામાં વાપરેલાં બે વાહનો તથા હથિયાર પણ પોલીસે જપ્ત કર્યા છે. હાલમાં ચારેયે મોઈન ઉપર શા માટે હુમલો કરવામાં આવ્યો એ અંગે પૂછપરછ ચાલી રહી છે.