રીલીફ સિનેમા પાસે મોડી સાંજે સામસામે ફાયરીંગની ઘટના: એક ઘાયલ

Files Photo
જુની અદાવતને પગલે હુમલો કરાતાં વ્યક્તિએ પણ બચાવમાં ફાયરીંગ કર્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, છેલ્લાં ત્રણ-ચાર દિવસથી શહેરમાં બની રહેલી હિંસક ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. અમરાઈવાડીમાં હિંસક ઘટનાઓ અને રામોલમાં ફાયરીંગનો બનાવ માંડ ઠંડો પડયો છે ત્યાં જ બુધવારે સાંજે રિલીફ સિનેમા પાસે આવેલી એક ગલીમાં સામસામે ફાયરીંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના રૂપિયાની લેવડદેવડ બાબતે થઈ હોવાનું જાણવા મળ્યું છે ફાયરીંગની આ ઘટનામાં એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ભરચક વિસ્તાર એવા રીલીફ રોડ પર આવેલી રીલીફ સિનેમાની બાજુમાં આવેલી વાઘ બકરી નામે ઓળખાતી ગલીમાં મોઈન મેમણ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે મોઈન રોજની માફક બુધવારે સાંજે પોતાના ઘરની બહાર ખુરશી પર બેઠા હતા એ જ વખતે બે બાઈકો ઉપર ચાર શખ્શો આવ્યા હતા અને મોઈન ઉપર ફાયરીંગ કર્યુ હતું જેના જવાબમાં મોઈને પણ ફાયરીંગ કર્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોઈને પોતાના બચાવમાં ફાયરીંગ કર્યો હોવાનું કહયં હતું ત્યારબાદ બે વાહન પર પિસ્તોલ તથા છરીઓ લઈને આવેલા ચાર શખ્શો ભાગી છુટયા હતા જેમાં એક ને ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તપાસમાં તેમને ઘટના સ્થળેથી હુમલાખોરોની એક છરી તથા એક બર્ગમેન વાહન મળી આવ્યું છે.
બીજી તરફ મુખ્ય હુમલાખોર ઈલ્યાસ જેનુલાબુદ્દીન સૈયદ (જુહાપુરા) હોવાનું સામે આવ્યું છે જે અગાઉ ૬૦૦ પેટી દારૂના કેસમાં પણ સંડોવાયેલો છે તેની સાથે હુમલામાં સામેલ એક સાગરીત અયાજ ઉસ્માન શેખને ઈજા થઈ હોવાનું અને તે આમેના ખાતુન હોસ્પીટલમાં દાખલ થયો છે.
મોઈનનાં નાના ભાઈ ઈમરાન તથા હુમલાખોર ઈલ્યાસ વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી જેને પગલે જ હુમલો કરાયો હોવાનું અનુમાન છે મોઈન જમીનોની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો છે.