Western Times News

Gujarati News

રીવરફ્રન્ટમાં મહીલાની ક્રુર હત્યા કરનાર શાહપુરનો હોમગાર્ડ નીકળ્યો

પ્રતિકાત્મક

મરનાર મહીલાએ પ્રેમ સંબંધો પુરા કરવા દસ લાખ રૂપિયાની માંગણી કરી બળાત્કારની ધમકી આપી હતી

(પ્રતિનિધિ) અમદાવાદ, આશરે એક મહીના અગાઉ શહેરની શાન ગણાતાં રીવરફ્રન્ટ પુર્વમાંથી મહીલાની મોં છુંદાયેલી હાલતમાં લાશ મળી હતી જેનું પગેરું મેળવવા માટે ખુદ પોલીસ પણ પરેશાન થઈ ગઈ હતી એ હદે મહીલાની ઓળખ છુપાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો

જાેકે શહેર ક્રાઈમબ્રાંચે આ હત્યાનો ભેદ ઉકેલીને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને ઝડપી લીધો છે. હોમગાર્ડે મહીલા સાથે પ્રેમ સંબંધના કારણે પરીવારમાં ઝઘડો થતો હોવાને લીધે હત્યા કર્યાનું કબુલ્યું છે.

ગઈ તા.૭ જુલાઈએ આંબેડકર બ્રીજથી વાસણા બેેરેજ તરફ જતા કાચા રોડની બાજુમાં ધોબીઘાટ નજીક રીવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં રપ થી ૩પ વર્ષની મહીલા પથ્થર વડે મહીલાના મોઢા તથા માથાના ભાગે ઈજા કરી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

આરોપીએ મહીલાની ઓળખ ન થાય એ માટે મહીલાનો ચહેરો પણ છુંદી નાખ્યો હતો. આ અંગે સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયા બાદ ક્રાઈમબ્રાંચ પણ તપાસમાં જાેડાઈ હતી અને પોતાના બાતમીદારોને સક્રીય કર્યા હતા. બીજી તરફ શહેરમાં ગુમ થયેલી મહીલા અંગેની પણ જાણકારી મેળવી હતી

જેમાં કાલુપુર, ઘીકાંટા જેસીંગભાઈની વાડી ખાતે રહેતી મનીષાબેન (૩પ) પ જુલાઈથી સાસરીમાંથી ગુમ થયાની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાંથી સામે આવી હતી જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

જેમાં મનીષા શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની ફરજ બજાવતા અને ઘીકાંટા રાજલક્ષ્મી કોમ્પલેક્ષમાં ગાજ બટનની દુકાન ધરાવતા હિતેશ રાજેન્દ્રભાઈ શ્રીમાળીને ત્યાં નોકરી કરતી હતી ઉપરાંત તેની સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી પરંતુ ઝઘડો થતાં હિતેશે જ તેની હત્યા કર્યાની માહીતી મળી હતી.

ક્રાઈકબ્રાંચે હિતેશને ઝડપી લઈ કડક પુછપરછ કરતા તેણે મનીષાનો પતિ ઘણા સમય અગાઉ મરી ગયો હતો પાંચ વર્ષથી પોતાની સાથે પ્રેમસંબંધ હતો જેની જાણ તેની પત્નીને થતાં ઘરમાં ઝઘડા ચાલતા હતા અને છ માસથી પિયર જતી રહી હતી.

બાદમાં હિતેશને મહોલ્લાની અન્ય મહીલા સાથે સંબંધ બંધાયા હતા તેની જાણ થતાં મનીષા હિતેશને છોડવા માટે ૧૦ લાખ રૂપિયા માંગ્યા હતા નહી તો બળાત્કારની ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ તમામ બાબતોને પગલે છેવટે હિતેશે મનીષાનું કાસળ કાઢી નાખવાનું નકકી કર્યું હતું ૪ જુલાઈએ બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને પ જુલાઈએ સવારે હિતેશ મનીષાને આંટો મારવાના બહાને રીવરફ્રન્ટ ખાતે લઈ જઈ પથ્થર માથામાં મારી બેભાન કર્યા બાદ તેનું મોં તથા માથુ છુંદી નાખીને ક્રુર હત્યા કરી હોવાનું કહયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.